<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

અરુણાચલ પ્રદેશમાં ચીનના કબજાનો દાવો તદ્દન પાયાવિહોણો: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અફવાઓને ફગાવી, કહ્યું- સરહદ પર સીમાંકન સ્પષ્ટ ન હોવાથી ઊભી થાય છે ભ્રમણા

બાંગ્લાદેશના જૂના ફોટા વાયરલ કરીને ઘૂસણખોરીના ખોટા દાવા કરાયા હોવાનો રિજિજુનો આક્ષેપ: ચીની સૈન્યની પહાડી ગતિવિધિઓ પર ભારતની કડક નજર

ઈટાનગર : અરુણાચલ પ્રદેશમાં ભારતીય જમીન પર ચીને કબજો કરી લીધો હોવાના અને ૬૦ કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હોવાના અહેવાલોને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સખત શબ્દોમાં ફગાવી દીધા છે. સમાચાર એજન્સી સાથેની ખાસ વાતચીતમાં રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે સરહદી વિસ્તારોમાં સ્પષ્ટ સીમાંકન (સીમા રેખા) નો અભાવ હોવાના કારણે કેટલીક જગ્યાએ સીમા રેખા અંગે ભ્રમણા કે ક્ષેત્રીય દાવાઓની સ્થિતિ સર્જાય છે, પરંતુ ચીને કોઈ નવું ભારતીય ગામ કબજે કર્યું નથી.

 

રિજિજુએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ભારતીય ગ્રામજનો અને સામે પક્ષે રહેતા લોકો વચ્ચે કેટલીક જગ્યાએ સરહદને લઈને મૂંઝવણ રહે છે. પરંતુ આ પરિસ્થિતિને 'ચીની સેના ભારતમાં ૬૦ કિમી અંદર ઘૂસી ગઈ' તેવું સ્વરૂપ આપવું તદ્દન ખોટું અને ભ્રામક છે. તેમણે લોંગજુ નજીક ચીન દ્વારા કરાયેલા બાંધકામ અંગે ખુલાસો કરતા કહ્યું કે, એ વિસ્તાર ૧૯૫૯ થી જ ચીની દળોના કબજા હેઠળ હતો અને ૧૯૬૨ ના યુદ્ધ બાદ તેમણે ત્યાં હાજરી મજબૂત કરી હતી. તે સરહદી પોઈન્ટ પર ભારતની પણ ચોકી તૈનાત છે.

 

ખોટી માહિતી અને વાયરલ ફોટાઓ સામે રિજિજુ આકરા પાણીએ

કેન્દ્રીય મંત્રીએ ચીની ઘૂસણખોરી અંગે ફેલાવવામાં આવી રહેલી અફવાઓની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશ અને અન્ય દેશોના અસંબંધિત જૂના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરીને અરુણાચલમાં ચીની ઘૂસણખોરીના ખોટા દાવાઓ ઊભા કરવામાં આવ્યા છે.

 

જોકે, તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે સરહદ પર ઊંચી પર્વતમાળાઓ પર ચીની લશ્કરી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ સંપૂર્ણપણે વાજબી છે અને ભારતીય સેના તથા સરકાર આ સુરક્ષા પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.

(7:17 PM IST)