મોદી સરકારનો 'Gen Z' માટે માસ્ટરપ્લાન તૈયાર: યુવાનોને સાંકળવા 'એક દિવસ, એક યુનિવર્સિટી' અભિયાનની જાહેરાત, તમામ કેન્દ્રીય મંત્રીઓને સોંપાઈ નવી જવાબદારી
NEET પ્રશ્નપત્ર લીક વિવાદ અને યુવા આક્રોશ વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું પગલું: કેન્દ્રીય મંત્રીઓ દરરોજ યુનિવર્સિટીઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધશે

નવી દિલ્હી : દેશના યુવા વર્ગ અને જનરેશન ઝેડ (Gen Z) સાથે સરકારનો સીધો સંપર્ક અને જોડાણ મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે એક મહત્વાકાંક્ષી રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. 'એક દિવસ, એક યુનિવર્સિટી' (One Day, One University) નામના આ વિશેષ અભિયાન હેઠળ તમામ કેન્દ્રીય મંત્રીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ યોજના અંતર્ગત કેન્દ્રીય મંત્રીઓ દરરોજ અલગ-અલગ યુનિવર્સિટીઓની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરીને તેમની સમસ્યાઓ, ચિંતાઓ અને સુચનો સમજવાનો પ્રયાસ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પણ આ પહેલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતો દરમિયાન મંત્રીઓ દેશના વર્તમાન મુદ્દાઓ પર યુવાનોના વિચારો મેળવશે, સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરશે અને તેમની કારકિર્દી તથા શિક્ષણ ક્ષેત્રે રહેલી મૂંઝવણો દૂર કરશે. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને આ સમગ્ર દેશવ્યાપી કાર્યક્રમનું સંકલન કરવાની મુખ્ય જવાબદારી સોંપાઈ છે.
NEET વિરોધ પ્રદર્શનો બાદ સરકારનું યુવાઓ પર વિશેષ ધ્યાન
તાજેતરમાં NEET પ્રશ્નપત્ર લીક વિવાદને લઈને દિલ્હી સહિત દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો બાદ સરકારે આ મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો શમ્યા બાદ વડાપ્રધાન મોદીએ પોતે મંત્રીઓને યુવાઓ સાથે સતત સંપર્કમાં રહેવા નિર્દેશ આપ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પણ શેર કરી હતી, જેમાં Gen Z ને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું, જેને યુવાનો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
