News of Wednesday, 19th August 2026
કાશ્મીરમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો, પણ ગ્લેશિયરો પીગળતાં ખતરાની ઘંટડી : ત્રણ દાયકામાં હિમનદીના ક્ષેત્રફળમાં ૧૭ ટકાનો ઘટાડો
કોલાહોઈ ગ્લેશિયર ૧૯૭૩થી ૭૮૪ મીટર પાછળ હટ્યો : પ્લાસ્ટિક કચરો, બેફામ બાંધકામ અને જળસંકટ અંગે નિષ્ણાતોની ગંભીર ચેતવણી

જમ્મુ: કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ માટે પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આર્થિક રીતે ખુશીના સમાચાર છે, પરંતુ આ જ ધસારાની પર્યાવરણ ઉપર પડી રહેલી ગંભીર અસરને કારણે હવે સ્થાનિક પ્રવાસન ક્ષેત્ર અને પર્યાવરણ નિષ્ણાતોએ ખતરાની ઘંટડી વગાડી છે. ગ્લેશિયરોનું ઝડપથી પીગળવું, પ્લાસ્ટિક કચરો, પાણી ઉપર વધતું દબાણ અને પર્વતીય વિસ્તારોમાં ઝડપી બાંધકામ મુખ્ય ચિંતાના વિષયો બન્યા છે.
જમ્મુ-કાશ્મરમાં વર્ષ ૨૦૨૧માં આશરે ૧.૧૩ કરોડ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા હતા. વર્ષ ૨૦૨૪ સુધી આ આંકડો વધીને ૨.૩ કરોડથી વધુ થયો હતો. માત્ર કાશ્મીર ખીણમાં જ એ વર્ષે આશરે ૩૫ લાખ પ્રવાસીઓ આવ્યા હોવાનું જણાવાયું છે.
પ્રવાસન ક્ષેત્રના વિકાસથી રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડલ સરોવરના હાઉસબોટ સંચાલકોથી માંડી ગુલમર્ગ અને પહલગામના હોટેલ કર્મચારીઓ સુધી અંદાજે ૧૦.૭૮ લાખ લોકોની આજીવિકા પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલી હોવાનું મનાય છે. જોકે પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે કુદરતી સંપદા ઉપર દબાણ પણ વધી રહ્યું છે.
કાશ્મીર યુનિવર્સિટીના હિમનદ વૈજ્ઞાનિક શકીલ અહમદ રોમશૂના નેતૃત્વ હેઠળ થયેલા એક અભ્યાસ પ્રમાણે કાશ્મીર હિમાલયના ગ્લેશિયરોએ ત્રણ દાયકામાં પોતાના કુલ ક્ષેત્રફળમાંથી આશરે ૧૭ ટકા વિસ્તાર ગુમાવ્યો છે. પર્વતીય વિસ્તારોનું તાપમાન નીચાણવાળા શહેરોની સરખામણીએ વધુ ઝડપથી વધી રહ્યું હોવાથી બરફ પીગળવાની પ્રક્રિયા ઝડપી બની છે.
ખીણનો સૌથી મોટો કોલાહોઈ ગ્લેશિયર આ પરિવર્તનનું ગંભીર ઉદાહરણ છે. લિદ્દર અને સિંધ નદીઓને પાણી પૂરું પાડતો આ ગ્લેશિયર ૧૯૭૩થી આશરે ૭૮૪ મીટર પાછળ હટી ગયો છે, જ્યારે ૧૯૬૨થી તેનું કુલ ક્ષેત્રફળ લગભગ ચોથા ભાગ જેટલું ઘટ્યું છે. કેટલાક નાના ગ્લેશિયરોએ તો પોતાના ક્ષેત્રફળનો ૪૦ ટકાથી વધુ ભાગ ગુમાવ્યો હોવાનું જણાવાયું છે.
ગ્લેશિયરોમાંથી મળતું પાણી સફરજનના બગીચા, કેસરના ખેતરો, પીવાના પાણીની વ્યવસ્થા અને જળવિદ્યુત મથકો માટે અત્યંત મહત્વનું છે. નિષ્ણાતોના મતે શરૂઆતમાં ઝડપથી બરફ પીગળવાથી ઝેલમ નદીના પ્રવાહમાં વધારો થઈ શકે છે, પરંતુ લાંબા ગાળે હિમભંડાર ઘટતાં નદીનો પ્રવાહ ઘટી શકે છે. પરિણામે ખેતી, પ્રવાસન અને ઘરેલુ જળપુરવઠા ઉપર ગંભીર દબાણ ઊભું થઈ શકે છે.
કાશ્મીર ઇકોટૂરિઝમ એસોસિએશનના પ્રમુખ સમીર બક્તૂના જણાવ્યા પ્રમાણે અનેક લોકપ્રિય પર્વતીય પ્રવાસન સ્થળોને પોલિથીનમુક્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા હોવા છતાં પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે નિયમોના અમલમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. ટ્રેકિંગ માર્ગો અને સરોવરોના કિનારે પ્લાસ્ટિક કચરો સતત જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતોએ પોલિથીન પ્રતિબંધનો કડક અમલ, પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ, પ્રવાસીઓ અને પ્રવાસ સંચાલકોમાં જાગૃતિ તથા પર્વતીય વિસ્તારોમાં બાંધકામ ઉપર વધુ સાવચેતી રાખવાની માગ કરી છે. હોટેલો અને રસ્તાઓનો વિસ્તાર કચરા વ્યવસ્થાપન, જળવ્યવસ્થા અને ઢોળાવની સ્થિરતા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ કરતાં વધુ ઝડપથી થઈ રહ્યો હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
