તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
જમ્મુ-કાશ્મીરના પ્રશ્નો લઈને વિદેશી રાજદૂત સમક્ષ ફરિયાદ નહીં કરું : કેન્દ્ર સરકારે જ અમારી સમસ્યાઓ ઉકેલવી પડશે : ઉમર અબ્દુલ્લા
અમેરિકી રાજદૂત સાથે કાશ્મીરની સ્થિતિ અંગે વાત થશે, પરંતુ વિદેશી સરકારના હસ્તક્ષેપની માગણી કરવાનો સવાલ જ નથી..

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરને લગતી સમસ્યાઓનો ઉકેલ નવી દિલ્હીએ કરવાનો છે, વોશિંગ્ટને નહીં. કોઈ બીજા દેશના રાજદૂત સમક્ષ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ફરિયાદ લઈને જવાની પોતાની આદત નથી અને કાશ્મીરના આંતરિક પ્રશ્નોમાં કોઈ વિદેશી સરકારનો હસ્તક્ષેપ પણ માગવામાં આવશે નહીં.
શ્રીનગરના કેટલાક વિસ્તારોની મુલાકાત લઈ ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે અમેરિકી રાજદૂત લાંબા સમય બાદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવી રહ્યા છે અને બપોર બાદ તેમની સાથે મુલાકાત નિર્ધારિત છે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકી રાજદૂતની વાત સાંભળશે અને રાજદૂત પણ તેમની વાત સાંભળવા આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પ્રશ્નો અમેરિકી રાજદૂત સમક્ષ ઉઠાવવામાં આવશે કે કેમ તે અંગે ઉમરે કહ્યું હતું કે, “અમારી સમસ્યાઓ સાથે તેમનો કોઈ સંબંધ નથી. વોશિંગ્ટને અમારી સમસ્યાઓનો ઉકેલ કરવાનો નથી. અમારી કેન્દ્ર સરકારે અમારી સમસ્યાઓનો ઉકેલ કરવો જોઈએ.”
તેમણે ઉમેર્યું કે મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીર અને અહીંની પરિસ્થિતિ અંગે ચર્ચા ચોક્કસ થશે, પરંતુ કોઈ વિદેશી સરકાર પાસે હસ્તક્ષેપની માગણી કરવામાં આવશે નહીં.
દરમિયાન પ્રદેશમાં નિમણૂકોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને સરકાર વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આવા આક્ષેપોની તપાસ કરવા સક્ષમ પોલીસ, અપરાધ શાખા કે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળ નથી.
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે જો ભ્રષ્ટાચારના કોઈ નક્કર પુરાવા હોય તો સંબંધિત તપાસ એજન્સીઓએ તેની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી અને કેસ નોંધવો જોઈએ. માત્ર પાયાવિહોણા આક્ષેપો કરવાને બદલે પુરાવાના આધારે તપાસ થવી જરૂરી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
