News of Wednesday, 19th August 2026
વીજળીના બિલ અને AC ના મોંઘા ખર્ચમાંથી મુક્તિ! સ્પેનિશ વૈજ્ઞાનિકોએ શોધ્યું જાદુઈ 'નેનોમટીરિયલ', ઘર અને વાહનોને ૧૨.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી રાખશે કૂલ-કૂલ
કોઈ કોમ્પ્રેસર કે પ્લગ વિના કાર્ય કરતી ક્રાંતિકારી 'પેસિવ રેડિયેટિવ કૂલિંગ' ટેકનોલોજી: સૂર્યની ધગધગતી ગરમીને શોષવાને બદલે સીધી જ અવકાશમાં ફેંકી દેશે બહાર

નવી દિલ્હી : ચોળચળતા ઉનાળામાં એર કન્ડીશનર (AC) નો સતત વપરાશ અને તેના કારણે આવતા મસમોટા વીજળીના બિલ સામાન્ય નાગરિકોના બજેટનું સંતુલન બગાડી નાખે છે. પરંતુ હવે સ્પેનિશ સંશોધકોએ આ સમસ્યાનો એક અદ્ભુત અને વિજ્ઞાન આધારિત ઇકો-ફ્રેન્ડલી ઉકેલ શોધી કાઢ્યો છે. સ્પેનિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રો એન્ડ નેનોટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ એક એવું અનોખું નેનોમટીરિયલ (Nanomaterial) વિકસાવ્યું છે, જે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવા છતાં પણ કોઈ વીજળીના વપરાશ વિના સપાટીને ૧૨.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડી રાખી શકે છે.
વિશ્વભરમાં વપરાતી કુલ વીજળીનો લગભગ ૨૦ ટકા હિસ્સો માત્ર કૂલિંગ અને AC પાછળ વપરાય છે. આ નવું નેનોમટીરિયલ ભવિષ્યમાં મોટી ઇમારતો, વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં એર કન્ડીશનીંગ પરની નિર્ભરતામાં મોટો ઘટાડો લાવશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજી સંપૂર્ણપણે 'પેસિવ રેડિયેટિવ કૂલિંગ' (Passive Radiative Cooling) પર આધારિત છે. વાતાવરણની ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ વિંડો (૮ થી ૧૩ માઇક્રોમીટર) નો ઉપયોગ કરીને આ સામગ્રી ગરમીને શોષવાને બદલે તેને સીધી જ અવકાશમાં ઉત્સર્જિત કરી દે છે.
સ્વ-સફાઈ ક્ષમતા અને મેડ્રિડમાં સફળ પરીક્ષણ
આ અનોખી સામગ્રી બનાવવા માટે વૈજ્ઞાનિકોએ પોલીવિનાઇલિડેન ફ્લોરાઇડ (PVDF) નામના વિશેષ પોલિમરનો ઉપયોગ કર્યો છે. આ પોલિમર અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનો સામનો કરવાની સાથે પાણીને દુર ભગાડે છે, જેથી તેમાં 'સેલ્ફ-ક્લીનિંગ' (સ્વ-સફાઈ) નો ગુણધર્મ પણ જોવા મળે છે. સંશોધકોએ આ પોલિમરને એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ ઓક્સાઇડના નેનોપોરસ ટેમ્પલેટમાં ઉમેરીને ત્રિ-પરિમાણીય રચના તૈયાર કરી હતી, જે સરેરાશ ૮૨.૪ ટકા સૌર કિરણોત્સર્ગને પરાવર્તિત કરે છે.
સ્પેનના મેડ્રિડ ખાતે એક ઈમારતની છત પર ધોમધખતા તડકામાં આ મટીરિયલનું વાસ્તવિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સામાન્ય કોટિંગ વગરની સપાટી કરતાં ૧૨.૯ ડિગ્રી સેલ્સિયસ વધુ ઠંડી જોવા મળી હતી. આ નેનોમટીરિયલ બનાવવાની પદ્ધતિ ખૂબ જ સસ્તી હોવાથી આગામી સમયમાં તે બજારમાં આવીને AC નો મોટો અને પર્યાવરણપૂરક વિકલ્પ સાબિત થશે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
