News of Wednesday, 19th August 2026
ટ્રમ્પના કાનમાં પ્રેમભરી વાતો અને 'લવ લેટર': વ્હાઈટ હાઉસમાં ૩૫ વર્ષની નતાલી હાર્પનો દબદબો જોઈ મેલાનિયા લાલઘૂમ, 'માનવ પ્રિન્ટર' બનનારી ગ્લેમરસ મહિલાના કિસ્સાથી અમેરિકામાં હોબાળો!
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પડછાયાની જેમ ફરતી નતાલીની ૨૪ કલાકની હાજરીથી મેલાનિયા ટ્રમ્પ નારાજ: 'સિક્યોરિટી બ્લેન્કેટ' ગણાતી મહિલાના કારણે વ્હાઈટ હાઉસમાં પાવર સ્ટ્રગલ ચરમસીમાએ

વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રાજકીય નિર્ણયો કરતાં પણ હાલમાં વ્હાઈટ હાઉસમાં એક ૩૫ વર્ષની મહિલાની હાજરી ભારે ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પના પરસનલ સ્ટાફમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત નતાલી હાર્પ (Natalie Harp) સતત ટ્રમ્પની સાથે પડછાયાની જેમ જોવા મળી રહી છે. ટ્રમ્પના અંગત જીવનમાં નતાલીના વધતા પ્રભાવ અને ૨૪ કલાકની હાજરીને કારણે લોકો હવે તંજ કસીને તેને 'મેલાનિયાની સોતન' તરીકે પણ ઓળખાવી રહ્યા છે, જેના કારણે વ્હાઈટ હાઉસમાં આંતરિક વિવાદ વકર્યો છે.
કૅલિફોર્નિયાની રહેવાસી નતાલી હાર્પે ૨૦૧૯ માં ફોક્સ ન્યૂઝ પર ખુલાસો કર્યો હતો કે ટ્રમ્પ દ્વારા પસાર કરવામાં આવેલા 'રાઈટ ટુ ટ્રાય' કાયદાને કારણે તેને બોન કેન્સર સામે લડવામાં મદદ મળી હતી. આ ઈન્ટરવ્યુ બાદ ટ્રમ્પ તેનાથી પ્રભાવિત થયા હતા અને ૨૦૨૨ માં તેણે ટ્રમ્પની કાયમી ટીમમાં સ્થાન મેળવ્યું હતું. નતાલી હંમેશા પોતાની સાથે એક પોર્ટેબલ પ્રિન્ટર લઈને ફરે છે અને ટ્રમ્પને પસંદ પડે તેવા સમાચાર તથા સોશિયલ મીડિયા પોસ્ટ્સ પ્રિન્ટ કરીને આપે છે, જેથી તેને 'હ્યુમન પ્રિન્ટર'નું બિરુદ પણ મળ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, તે ટ્રમ્પના અંગત કક્ષમાં "મારા માટે ફક્ત આપ જ મહત્ત્વના છો" જેવા લવ લેટર્સ પણ મૂકી આવતી હતી.
મેલાનિયા ટ્રમ્પની જાહેરમાં ગેરહાજરી અને અણબનાવ
ટ્રમ્પના જીવનચરિત્રકાર માઈકલ વોલ્ફ અને પ્રખ્યાત પત્રકાર મેગી હેબરમેનના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ માટે 'સિક્યોરિટી બ્લેન્કેટ' ગણાતી નતાલીની હાજરીથી પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ અત્યંત નારાજ છે. મેલાનિયા અને નતાલી વચ્ચે વ્હાઈટ હાઉસમાં વર્ચસ્વ જમાવવાની તીવ્ર લડાઈ ચાલી રહી છે, જેના કારણે મેલાનિયા જાહેરમાં ટ્રમ્પ સાથે દેખાવાનું ટાળી રહ્યા છે. ૨૦૨૫ માં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ બાદથી મેલાનિયા ખૂબ જ ઓછી વાર જાહેર કાર્યક્રમોમાં નજરે પડ્યા છે.
બીજી તરફ, ટ્રમ્પના નજીકના સૂત્રોનો દાવો છે કે ટ્રમ્પ અને નતાલી વચ્ચે પવિત્ર 'પિતા-પુત્રી' જેવો સંબંધ છે. જોકે, આ વિવાદ અને નતાલીનું ટ્રમ્પ પ્રત્યેનું અતિશય આકર્ષણ હાલમાં અમેરિકી રાજકારણમાં અને વ્હાઈટ હાઉસના ગલિયારામાં ચર્ચાનો હોટ ટોપિક બની ગયું છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
