તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
સ્પેસએક્સ રોકેટના ધમાકાથી ચંદ્ર પર રચાયો ૬૦ ફૂટ મોટો ખાડો
નાસાના ઓર્બિટરે જાહેર કરી તસવીરો.... ૫ ઓગસ્ટે ૮,૮૦૦ પાઉન્ડ (આશરે ૪,૦૦૦ કિગ્રા) વજન ધરાવતો ફાલ્કન ૯ રોકેટનો ઉપલો ભાગ કલાકના આશરે ૮,૭૦૦ કિલોમીટરની ઝડપે ચંદ્રના પૃથ્વી તરફના ભાગ સાથે અથડાયો હતો

નાસા તા.૨૦: નાસા (NASA) એ હાઈ-રિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરો જાહેર કરીને પુષ્ટિ કરી છે કે સ્પેસએક્સ (ર્લ્ષ્ટીણૂફૂહ્) રોકેટનો એક નકામો ભાગ ચંદ્ર સાથે અથડાતાં તેની સપાટી પર ૬૦ ફૂટ પહોળો નવો ખાડો (ક્રેટર) બની ગયો છે. ૫ ઓગસ્ટે ૮,૮૦૦ પાઉન્ડ (આશરે ૪,૦૦૦ કિગ્રા) વજન ધરાવતો ફાલ્કન ૯ રોકેટનો ઉપલો ભાગ કલાકના આશરે ૮,૭૦૦ કિલોમીટરની ઝડપે ચંદ્રના પૃથ્વી તરફના ભાગ સાથે અથડાયો હતો. નાસાના લૂનાર રેકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા લેવાયેલી તસવીરોમાં આ અકસ્માત સ્થળ અને તેની આસપાસ વિખરાયેલા કાટમાળનો સ્પષ્ટ નજારો જોવા મળે છે.
નાસાના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનો અનુસાર, લૂનાર રેકોનિસન્સ ઓર્બિટરે ૧૧ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ દરમિયાન ચંદ્રની સપાટીથી ૯૬ કિલોમીટરની ઊંચાઈ પરથી આ નવા રચાયેલા ખાડાની તસવીરો લીધી હતી. ફલાઇટ કંટ્રોલર્સે ઓર્બિટર જ્યારે આઇન્સ્ટાઇન ક્રેટર નજીકના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના કેમેરાને ચોક્કસ ખૂણે નમાવીને આ તસવીરો કેપ્ચર કરી હતી.
ચંદ્રની સપાટી પર પડતા પડછાયાની લંબાઈના આધારે વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે કે આ અથડામણથી લગભગ ૧૮ મીટર (૬૦ ફૂટ) પહોળો અને ૩ મીટર (૧૦ ફૂટ) થી ઓછો ઊંડો વાટકા આકારનો ખાડો બન્યો છે. તસવીરોમાં પતંગિયાની પાંખોની ભાત (બટરફલાય પેટર્ન) માં ચારેય તરફ ફેલાયેલા કાળા અને તેજસ્વી પટ્ટાઓ દેખાય છે, જે ધમાકાના કારણે ઉડીને દૂર ફેંકાયેલી માટી અને પથ્થરના ટુકડા દર્શાવે છે.
આ અકસ્માતમાં સામેલ સ્પેસ હાર્ડવેર એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ માં લોન્ચ કરવામાં આવેલા ફાલ્કન ૯ રોકેટનો વપરાયેલો ઉપલો ભાગ હતો. આ મિશને ફાયરફલાય એરોસ્પેસના બ્લુ ઘોસ્ટ ૧ સહિતના ખાનગી લૂનાર લેન્ડર્સને અવકાશમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા હતા, જે બાદ આ રોકેટ પૃથ્વી અને ચંદ્રની ભ્રમણકક્ષામાં નિયંત્રણ વગર ભટકી રહ્યું હતું.
અવકાશમાં ૧૮ મહિનાથી વધુ સમય સુધી ભટક્યા પછી, ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળે આ ૪૫ ફૂટ લાંબા રોકેટ બૂસ્ટરને પોતાની તરફ ખેંચ્યું, જેના કારણે તેની ચંદ્ર સાથે અથડામણ અનિવાર્ય બની ગઈ હતી. વિજ્ઞાનીઓનો અંદાજ છે કે આ રોકેટ લગભગ ૩ ટન TNT ધમાકા જેટલી ગતિજ ઊર્જા સાથે ચંદ્રની સપાટી પર અથડાયું હતું.
સાઉથ કોરિયાના દાનુરી (Danuri) સ્પેસક્રાફટે અથડામણના થોડા જ સમય બાદ અકસ્માત સ્થળની પહેલાં અને પછીની પ્રારંભિક તસવીરો કેપ્ચર કરી હતી. આ ઉપરાંત, ચિલીમાં આવેલા યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપ સહિત પૃથ્વી પરની ખગોળીય વેધશાળાઓએ પણ ધમાકા બાદ ચંદ્રની સપાટી પરથી ઉડેલા સોડિયમ અને લિથિયમ ગેસના વાદળો નોંધ્યા હતા.
કુદરતી ઉલ્કાપિડોની અથડામણથી ચંદ્રની સપાટી પર અવારનવાર ખાડા બનતા રહે છે, પરંતુ માનવસર્જિત રોકેટ કે સેટેલાઇટ અથડાવાની ઘટનાઓ ખૂબ ઓછી બને છે. નાસાના વૈજ્ઞાનિકોએ નોંધ્યું હતું કે આ નવા બનેલા ખાડા અને ઉછળેલા કાટમાળનો અભ્યાસ કરવાથી ભવિષ્યના ચંદ્ર મિશનો અને અવકાશ સંશોધનો માટે હાઇ-સ્પીડ ઇમ્પેક્ટ અંગે ડેટા મળશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
