તા. ૩૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૦ રવિવાર
બેંકિંગ સિસ્ટમની મનમાની પર કોલકાતા હાઈકોર્ટના લાલઘૂમ ચાબખા: TMC સાંસદ અભિષેક બેનર્જીનું ખાતું-કાર્ડ બ્લોક કરવા બદલ HDFC બેંકની આકરી ઝાટકણી
"શું આ રીતે બેંકો ગ્રાહકો સાથે વ્યવહાર કરે છે?": આંખની સારવાર માટે વિદેશ પ્રવાસની મંજૂરી મળતા જ ખાતું ફ્રીઝ કરાતા જસ્ટિસ કૃષ્ણા રાવે બેંકિંગ પ્રક્રિયાઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

કોલકાતા, તા.૨૦: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અને સાંસદ અભિષેક બેનર્જીના બેંક ખાતા તેમજ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સને અચાનક બ્લોક કરી દેવાના મામલે કોલકાતા હાઈકોર્ટે HDFC બેંકની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે અભિષેક બેનર્જીને આંખની સારવાર માટે વિદેશ જવાની પરવાનગી આપી તે જ દિવસે બેંકે તેમની તમામ નાણાકીય સેવાઓ સ્થગિત કરી દીધી હતી. હાઈકોર્ટે બેંકના આ વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે, "શું બેંકો પોતાના ગ્રાહકો સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે?"
અભિષેક બેનર્જી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અયાન ભટ્ટાચાર્યએ અદાલતને જણાવ્યું હતું કે બેંકે 'એડિશનલ ડ્યુ ડિલિજન્સ' (વધારાની ચકાસણી) નું બહાનું ધરીને ખાતું સસ્પેન્ડ કર્યું છે અને પ્રક્રિયા પૂરી કરવા માટે બેનર્જીને વ્યક્તિગત રીતે શાખામાં હાજર રહેવા પરેશાન કરવામાં આવી રહ્યા છે. બેનર્જીના વકીલે સ્પષ્ટ કર્યું હતું કે તેમના અસીલનું નિયમિત KYC પુનઃચકાસણી ડિસેમ્બર ૨૦૨૬ માં બાકી છે, તેમ છતાં બેંકે અણધારી રીતે આ કાર્યવાહી કરી છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ કૃષ્ણા રાવે HDFC બેંકના વકીલને આડે હાથ લેતા કડક સવાલો પૂછ્યા હતા કે, "શું તમારી બેંકમાં e-KYC સુવિધા ઉપલબ્ધ નથી? આજકાલ સરકારી કચેરીઓ પણ બધું જ ઓનલાઈન કરી રહી છે, તો પછી બેંક ગ્રાહકનો ચહેરો રૂબરૂ જોવા માટે આટલી બધી ઉત્સુક કેમ છે? જો ચકાસણી જ કરવી હોય તો ફોટોગ્રાફ પૂરતો નથી?" તેના જવાબમાં બેંકના વકીલે દલીલ કરી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના કેસોના સંદર્ભમાં આ વધારાનું KYC જરૂરી બન્યું હતું અને નવો ફોટોગ્રાફ લેવા માટે વ્યક્તિગત હાજરી મંગાઈ હતી.
અદાલતના ભારે આક્રોશ અને કડક વલણ બાદ HDFC બેંકે પોતાનું વલણ બદલવાની ફરજ પડી હતી. બેંકના વકીલે અંતે કોર્ટને ખાતરી આપી હતી કે સાંસદ બેનર્જીને શાખાની મુલાકાત લેવાની જરૂર નથી. ખાતું ઓનલાઈન અનબ્લોક ન થઈ શકતું હોવાથી બેંકના અધિકારીઓ પોતે બેનર્જીના નિવાસસ્થાને જઈને તમામ KYC ઔપચારિકતાઓ પૂરી કરશે, જેનાથી અદાલતી સુનાવણીમાં બેંકિંગ પ્રક્રિયાઓની મનમાની સામે મોટો દાખલો બેઠો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
