<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મિડટર્મ ઈલેક્‍શન અગાઉ ટ્રમ્‍પનું અપ્રુવલ રેટિંગ માત્ર ૩૩% નોંધાયું

ટ્રમ્‍પની સેકન્‍ડ ટર્મનું અત્‍યારસુધીનું સૌથી કંગાળ અપ્રુવલ રેટિંગઃ ૬૪ ટકા લોકો ટ્રમ્‍પની સરકાર ચલાવવાની પદ્ધતિને પસંદ નથી કરતા : ઈરાન વોર વધારે પડતું લાંબુ ખેંચાઈ જવા સહિતના કારણોસર ટ્રમ્‍પને નાપસંદ કરતા લોકોની સંખ્‍યા વધી

વોશીંગ્‍ટન તા.૨૧: ચૂંટણી જીતવા માટે અમેરિકાની પ્રજાને આંબા-આંબલી બતાવનારા ટ્રમ્‍પના કામકાજથી ૬૪ ટકા અમેરિકન્‍સ ખુશ નથી, આ ચોંકાવનારો ખુલાસો રોઈટર્સ/ઈપ્‍સોસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક પોલમાં થયો છે જેમાં જણાવાયું છે કે ટ્રમ્‍પનું અપ્રુવલ રેટિગ માત્ર ૩૩ ટકા પર પહોંચી ગયું છે. ઓગસ્‍ટની શરૂઆતમાં આ રેટિગ ૩૫ ટકા પર હતું, જ્‍યારે લેટેસ્‍ટ પોલ અનુસાર ટ્રમ્‍પના પર્ફોમન્‍સથી ખુશ હોય તેવા લોકોનું પ્રમાણ માત્ર ૩૩ ટકા છે જ્‍યારે ૬૪ ટકા ટ્રમ્‍પની સરકાર ચલાવવાની પદ્ધતિને પસંદ નથી કરતા. આ પહેલા ડિસેમ્‍બર ૨૦૧૭માં ફર્સ્‍ટ ટર્મ વખતે ટ્રમ્‍પનું અપ્રુવલ રેટિગ આ સ્‍તરે પહોંચ્‍યું હતું. જોકે, સેકન્‍ડ ટર્મમાં અત્‍યારસુધી ક્‍યારેય પણ તેમને આટલું નીચું અપ્રુવલ રેટિગ નથી મળ્‍યું, મિડટર્મ ઈલેક્‍શન નજીક આવી રહ્યા છે તેવામાં સતત નીચે જઈ રહેલું ટ્રમ્‍પનું અપ્રુવલ રેટિગ હવે રિપબ્‍લિકન્‍સનું ટેન્‍શન વધારી રહ્યું છે. જાન્‍યુઆરી ૨૦૨૫માં ટ્રમ્‍પે સત્તા સંભાળી ત્‍યારે તેમનું અપ્રુવલ રેટિગ ૪૭ ટકા જેટલું હતું જે સતત નીચે ગબડી રહ્યું છે.

ટ્રમ્‍પ માટે ઈરાન વોર હવે ગળામાં ફસાયેલું હાડકું બની રહ્યું છે તેવામાં મોટાભાગના અમેરિકન્‍સનું માનવું છે કે આ વોર ઘણું લાંબુ ચાલવાનું છે. તેના કારણે ૨૦૨૬માં અપ્રુવલ રેટિગ પણ નીચે આવી રહ્યું છે. ઈરાન વોરને કારણે સમગ્ર દુનિયામાં ક્રુડનો સપ્‍લાય બાધિત થયો હતો જેના કારણે અમેરિકા સહિતના દેશોમાં પેટ્રોલ-ડીઝલની કિમતમાં ભડકો થયો હતો. ટ્રમ્‍પે વાયદો કર્યો હતો કે તેઓ અમેરિકાને કોઈ નવા યુદ્ધમાં નહીં ઝીંકે અને મોંઘવારી કાબૂમાં રાખશે. જોકે, તેમ છતાંય તેમણે ઈરાન પર હુમલો કર્યો હતો અને તે વખતે શરૂઆતમાં તેમણે એવા દાવા કર્યા હતા કે એકાદ મહિનામાં વોર સમાપ્ત થઈ જશે. જોકે, આ વોર સતત લાંબુ ખેંચાઈ રહ્યું છે અને ઈરાન જરાય નમતું જોખવા તૈયાર ના હોવાથી ટ્રમ્‍પ માટે ભોંઠા પડવા જેવી સ્‍થિતિ સર્જાઈ છે કારણકે તેમની સરકાર ઈરાન પર હુમલો કરવાનો એકેય લક્ષ્યાંક સિદ્ધ નથી કરી શકી.

ઈરાન વોર અને હાઈ એનર્જી પ્રાઈસીસને કારણે વધી રહેલી મોંઘવારીએ ડેમોક્રેટ્‍સને મોટો મુદ્દો આપી દીધો છે જ્‍યારે રિપબ્‍લિકન્‍સને એ જ નથી સમજાઈ રહ્યું કે આ સ્‍થિતિમાં લોકો પાસે વોટ માગવા કઈ રીતે જવું? રોઈટર્સ/ઈપ્‍સોસના સરવેમાં એવું પણ જાણવા મળ્‍યું છે કે ડેમોક્રેટ્‍સ ઈકોનોમીને પાટે લાવી શકે છે તેવું માનનારા લોકોની સંખ્‍યા પણ વધી રહી છે અને આ ટ્રેન્‍ડ ૧૦ વર્ષમાં પહેલીવાર જોવા મળ્‍યો છે. આ પોલ અનુસાર ૩૮ ટકા વોટર્સનું માનવું છે કે ડેમોક્રેટ્‍સ ઈકોનોમીનું સંચાલન વધારે સારી રીતે કરી શકશે જ્‍યારે ૩૫ ટકાને આ બાબતે હજુય રિપબ્‍લિકન્‍સ પર વિશ્વાસ છે. આ ઉપરાંત મોંઘવારી ઘટાડવા અંગેની ઈમ્‍પ્રેશન બાબતે પણ ડેમોક્રેટ્‍સ હવે રિપબ્‍લિકન્‍સને હંફાવતા નજરે પડી રહ્યા છે.

હવે જો ઈમિગ્રેશનની વાત કરીએ તો રિપબ્‍લિકન વોટર્સમાં આ મુદ્દો હજુય છવાયેલો છે અને ટ્રમ્‍પ બાબતે ડેમોક્રેટ્‍સને પણ ફાવવા નથી દઈ રહ્યા. જોકે, હિસક ઈમિગ્રેશન એન્‍ફોર્સમેન્‍ટ અને મોટી સંખ્‍યામાં થઈ રહેલી ધરપકડથી ઘણા રિપબ્‍લિકન્‍સ નારાજ પણ છે. ૪૦ ટકા રજિસ્‍ટર્ડ વોટર્સનું આ અંગે કહેવું હતું કે તેમની ઈમિગ્રેશન પોલિસી બિલકુલ યોગ્‍ચ છે. ૨૦૨૫ની શરૂઆતમાં ઈમિગ્રેશનના મુદ્દાને કોણ સારી રીતે હેન્‍ડલ કરી શકે છે તે બાબતે રિપબ્‍લિકન્‍સ ઘણા આગળ હતા, પણ હવે આ ભેદ ગાયબ થતો દેખાઈ રહ્યો છે

 

(10:29 AM IST)