News of Friday, 21st August 2026
નિકાસકારો વિદેશોમાં વેચાણના ઈન્વોઈસ, સેટલમેન્ટ રૂપિયામાં કરી શકશે
માન્ય બેન્કિંગ ચેનલ મારફતે રૂપિયામાં પેમેન્ટ થશે તો તેમને ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ લાભ મળી શકશે

નવી દિલ્હી,તા.૨૧: ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ રૂપી-બેઝ્ડ એક્સપોર્ટ ટ્રાન્ઝેક્શન્સ માટેના નિયમો હળવા કરી દીધા છે. તેનાથી ભારતીય નિકાસકારોને વિદેશોમાં વેચાણ પર ઈન્વોઈસમાં વધારે સાનુકૂળતા રહેશે અને તેઓ ભારતીય રૂપી કરન્સીમાં અથવા વિદેશી કરન્સીમાં પેમેન્ટ મેળવી શકશે.
સુધારાયેલા નિયમ અનુસાર નિકાસકારો એશિયન ક્લીયરિગ યુનિયન (ACU) સિવાયના દેશોમાં તેમની વસ્તુનું વેચાણ કરે તો તેઓ ભારતીય કરન્સી રૂપિયામાં અથવા કોઈપણ વિદેશી કરન્સીમાં નિકાસના કોન્ટ્રેક્ટ અને ઈન્વોઈસ તૈયાર કરી શકે છે. નિકાસની રકમની ચૂકવણી પણ રૂપિયામાં કે વિદેશી કરન્સીમાં થઈ શકશે.
મહત્વનો ફેરફાર એ થયો છે કે માન્ય બેન્કિંગ ચેનલ મારફતે રૂપિયામાં પેમેન્ટ થશે તો તેમને ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ લાભ મળી શકશે. આ સાથે એ અનિヘતિતા દૂર થઈ ગઈ છે કે રૂપી કરન્સીમાં નિકાસની રકમ મળે તો તેને પણ વિદેશી કરન્સીની આવકની જેમ જ ગણવામાં આવશે કે કેમ. એક્ઝિમ બેન્ક કે ભારત સરકાર મારફતે નિકાસ માટે લાઈન ઓફ ક્રેડિટ ફાઈનાન્સ થઈ હશે તો તેને પણ ભારતીય રૂપિયામાં ઈન્વોઈસ કરી શકાશે.
આ નીતિગત ફેરફારનો ફાયદો એ રહેશે કે ભારતીય નિકાસકારો માટે રૂપી કરન્સીમાં સેટલમેન્ટ વધારે આકર્ષક બનશે. આમ થવાથી તેમની કરન્સી કન્વર્ઝનની જરૂરિયાત ઘટશે અને વળી, તેને સંબંધિત ખર્ચ ઘટશે અને એક્સચેન્જ-રેટ રિસ્ક પણ ઘટશે. જે દેશો પાસે પૂરતા પ્રમાણમાં અમેરિકન ડોલર નથી તેમના માટે વૈકલ્પિક પેમેન્ટ મિકેનિઝમ પણ ગોઠવાશે. સૌથી અગત્યનું, આ પગલાંથી રૂપિયાને વૈશ્વિક કરન્સી બનાવવા માટેના ભારતના પ્રયાસને બળ મળશે. માત્ર ડોલર પરની નિર્ભરતા ઘટશે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
