<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મુંબઈમાં કાળા જાદુ અને વશીકરણના નામે ભયાનક અમાનુષી કૃત્ય: બીમાર પતિને સાજો કરી દેવાની લાલચ આપી કિન્નરનો વેશ ધારણ કરી ઘરમાં ઘૂસેલા ભોંગુ ધૂતારાએ ૨૫ વર્ષીય એર હોસ્ટેસ પર ગુજારેલા બળાત્કારથી ચકચાર

​પાણીમાં કઈંક શંકાસ્પદ પદાર્થ ભેળવીને ભાન ભૂલાવી દીધા બાદ આચરેલા કુકર્મ અંગે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પાખંડી આરોપીની ધરપકડ કરવા માટે જાળ બિછાવી

​મુંબઈ: માયાનગરી મુંબઈના એક વિસ્તારમાં સભ્ય સમાજને શરમાવે તેવી અને વશીકરણના નામે થતા અંધશ્રદ્ધાના ખેલનો પર્દાફાશ કરતી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેમાં પોતાના પતિની લાંબા સમયની ગંભીર બીમારીથી પરેશાન અને માનસિક રીતે ભાંગી પડેલી ૨૫ વર્ષીય એર હોસ્ટેસને સહાનુભૂતિ અને ચમત્કારની જાળમાં ફસાવીને એક પહોંચેલા ધૂતારાએ કુંડાળું રચ્યું હતું. સ્ત્રીનો પોશાક પહેરીને અને કિન્નરનું રૂપ ધારણ કરીને આવેલો આ શખ્સ પીડિત મહિલાના ઘરમાં દાખલ થયો હતો અને તેના પતિ પરથી ખરાબ નજર તેમજ કાળો જાદુ દૂર કરવાનો દાવો કરીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

​મળેલી વિગતો અનુસાર, આરોપીએ સૌપ્રથમ પીડિતાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો કે તે ટૂંક સમયમાં જ તેના પતિને સંપૂર્ણપણે સાજો કરી દેશે. વિધિ કરવાના બહાને તેણે મહિલા પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો હતો અને તેમાં કઈંક અજાણ્યો પદાર્થ કે નશીલી દવા મેળવી દીધી હોવાની આશંકા છે. આ પાણી પીવડાવતા જ મહિલાની માનસિક સ્થિતિ અને ભાન છીનવાઈ ગયા હતા. અર્ધબેભાન અને અસહાય અવસ્થાનો ગેરલાભ ઉઠાવીને આ પાખંડી આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

​ઘટના બન્યા બાદ ભાનમાં આવેલી પીડિતાને પોતાની સાથે થયેલી છેતરપિંડી અને ઘોર અન્યાયની જાણ થતાં જ તેણે હિંમત ભેગી કરીને સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પીડિત મહિલાની ગંભીર આપવીતીના આધારે ગુનો દાખલ કરીને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કડક ધારાઓ હેઠળ ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે તેમજ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. કિન્નરનો વેશ ધારણ કરીને ગુનો આચરી ફરાર થઈ ગયેલા આ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કરીને ખાસ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

(4:30 PM IST)