<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

અંતરિક્ષ ક્ષેત્રે ભારત મારશે મોટી છલાંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ સ્પેસ સ્ટાર્ટઅપ્સના સંચાલકો સાથે કરી મહત્વપૂર્ણ બેઠક, ભારતને વૈશ્વિક સ્પેસ હબ બનાવવા આહવાહન!

નવી દિલ્હીના સેવા તીર્થ ખાતે રોકેટ, એઆઈ, સેટેલાઇટ અને સ્પેસ ડેબ્રિસ ક્ષેત્રના યુવા ઉદ્યોગસાહસિકો સાથે વડાપ્રધાને યોજ્યો સંવાદ: ટેકનોલોજીનો ઉપયોગ આમજનતાના કલ્યાણ માટે કરવા સલાહ

નવી દિલ્હી, તા.૨૧: ભારતને અવકાશ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વનું પ્રમુખ કેન્દ્ર (ગ્લોબલ સ્પેસ ટેકનોલોજી હબ) બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીના 'સેવા તીર્થ' ખાતે દેશના ૨૦ અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ્સના સીઈઓ અને સ્થાપકો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશના વધતા જતા ખાનગી અવકાશ ઉદ્યોગની શક્તિ અને ભવિષ્યની યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. 


સ્ટાર્ટઅપ્સનું વિઝન અને આધુનિક ક્ષમતાઓ
આ મહત્વપૂર્ણ સંવાદમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સ્પેસ ટેકનોલોજીના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્યત્વે: 


•    રોકેટ અને સેમી-ક્રાયોજેનિક લોન્ચ વ્હીકલ: ફરીથી વાપરી શકાય તેવા રોકેટ્સનું નિર્માણ. 

•    એડવાન્સ ટેકનોલોજી: સેટેલાઇટ, પ્રોપલ્શન સિસ્ટમ્સ અને એવિઓનિક્સનો વિકાસ. 

•    એઆઈ અને ક્લાઇમેટ ઇન્ટેલિજન્સ: હવામાનની સચોટ માહિતી આપતી એઆઈ-સંચાલિત ટેકનોલોજી. 

•    સ્પેસ સેફ્ટી: અંતરિક્ષમાં જમા થતા કાટમાળ (સ્પેસ ડેબ્રિસ) ને દૂર કરવાની સિસ્ટમ. 

સ્ટાર્ટઅપ સ્થાપકોએ સ્વીકાર્યું કે સરકાર દ્વારા સ્પેસ સેક્ટરને ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મુકવાના ઐતિહાસિક નિર્ણયથી ભારતીય ઉદ્યોગો માટે નવી તકોના દ્વાર ખુલ્યા છે. 


વડાપ્રધાન મોદીનું આહવાહન અને માર્ગદર્શન
વડાપ્રધાન મોદીએ યુવા સાહસિકોની હિંમત અને નવીનતાના વખાણ કરતા જણાવ્યું કે, વિશ્વના ઘણા દેશો પાસે અંતરિક્ષ ક્ષેત્રે રોકાણ કરવાની ક્ષમતા કે ઈચ્છા નથી, જે ભારત માટે ગ્લોબલ હબ બનવાની સુવર્ણ તક છે. 

વડાપ્રધાને સ્ટાર્ટઅપ્સને અંતરિક્ષ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા માટે કરવાની સલાહ આપી હતી: 


•    કૃષિ અને સ્પેસ ટેકનોલોજી: કૃષિ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરીને ખેડૂતોની ઉત્પાદકતા વધારવી. 

•    પર્યાવરણ અને સ્પેસ ડેબ્રિસ: અંતરિક્ષ કાટમાળ સાફ કરતી કંપનીઓએ પર્યાવરણીય સંસ્થાઓ સાથે મળીને કામ કરવું. 

આ બેઠકથી ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રને નવી ઊર્જા અને દિશા મળી છે.

(4:33 PM IST)