તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
ગ્લોબલ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં ભારતનો વાગશે ડંકો: આગામી ૨ વર્ષમાં વિશ્વનો દર પાંચમો સ્માર્ટફોન 'મેડ ઈન ઈન્ડિયા' હશે, ચીનનું એકચક્રી શાસન તોડવા તરફ દેશની મજબૂત કૂચ!
'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મોટા ફેરફાર વચ્ચે ભારતે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મેળવી અભૂતપૂર્વ સફળતા.

નવી દિલ્હી, તા.૨૧: વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન ઉત્પાદન ક્ષેત્રે ભારત હવે માત્ર એક ગ્રાહક કે સોફ્ટવેર હબ જ નહીં, પરંતુ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા 'વન વર્લ્ડ આઉટલુક' રિપોર્ટ અનુસાર, આગામી ૧ થી ૨ વર્ષમાં વિશ્વભરમાં ઉત્પાદિત થતા કુલ સ્માર્ટફોન્સમાંથી લગભગ પાંચમા ભાગનું (૨૦ ટકા) ઉત્પાદન ભારતમાં થશે.
વિશ્વભરની મલ્ટીનેશનલ કંપનીઓ ઉત્પાદન માટે ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ કરવા માંગે છે, જેના કારણે ભારત વૈશ્વિક સ્તર પર સૌથી મજબૂત અને વિશ્વસનીય વૈકલ્પિક કેન્દ્ર બની રહ્યું છે.
શું છે 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના?
છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વૈશ્વિક સ્માર્ટફોન ઉત્પાદન પર ચીનનું વર્ચસ્વ રહ્યું છે. વિશાળ સપ્લાયર ઇકોસિસ્ટમ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ કાર્યબળના જોરે વિશ્વના બે-તૃતીયાંશથી વધુ સ્માર્ટફોન એક સમયે ચીનમાં બનતા હતા. જોકે, ભૌગોલિક રાજકીય તણાવ, કડક નિયંત્રણો અને કોવિડ-૧૯ મહામારી દરમિયાન સપ્લાય ચેઇનમાં સર્જાયેલા મોટા વિક્ષેપોને કારણે વૈશ્વિક કંપનીઓને ચીન બહાર વિકલ્પો શોધવાની ફરજ પડી હતી. આ પરિવર્તનને 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે, જેણે ભારત અને વિયેતનામ જેવા દેશો માટે નવી તકોના દરવાજા ખોલી દીધા છે.
ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટમાં ભારતની મોટી છલાંગ
રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ સુધીમાં ચીન, ભારત અને વિયેતનામ મળીને વૈશ્વિક સ્માર્ટફોન ઉત્પાદનમાં ૯૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતા થઈ ગયા છે. હાલમાં ચીન ૬૩ ટકા હિસ્સા સાથે મોખરે છે, પરંતુ ભારતે પોતાનો હિસ્સો ઝડપથી વધારીને ૧૮ ટકા સુધી પહોંચાડી દીધો છે. વિશ્લેષકોનો અંદાજ છે કે આગામી ૨૪ મહિનામાં ભારત આ હિસ્સો ૨૦ ટકા અથવા તેનાથી પણ વધુ કરી લેશે.
સેવાઓ અને આઈટી બાદ હવે 'મેન્યુફેક્ચરિંગ'માં ભારતનો ડંકો
ભારત પરંપરાગત રીતે તેની આઈટી સેવાઓ, સોફ્ટવેર ક્ષમતાઓ અને બેક-ઓફિસ સપોર્ટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. પરંતુ કેન્દ્ર સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વધતા રોકાણના પરિણામે હવે ભારતે હાર્ડવેર અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ પોતાની તાકાત સાબિત કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
