<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

આસામના ભયાનક પૂરમાં તણાયેલી ૫૩ વર્ષીય હથિણી 'જોયમોતી'નો ચમત્કારિક બચાવ: એરલિફ્ટ કરીને તાત્કાલિક એડવાન્સ તબીબી સારવાર માટે જામનગરના 'વંતારા' લવાઈ!

ઘણા દિવસો સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ ઇસરો અને સરકારી એજન્સીઓની મદદથી કરાયું રેસ્ક્યૂ; ઉંમર અને ગંભીર ઇજાઓને ધ્યાને રાખી વાંતારાના ડોક્ટરો દ્વારા એરલિફ્ટ કરવાનો કરાયો નિર્ણય.

જામનગર, તા.૨૧: આસામમાં આવેલા વિનાશક પૂરમાં તણાઈ ગયા બાદ દિવસો સુધી અસ્તિત્વ માટે લડાઈ લડી રહેલી ૫૩ વર્ષીય હથિણી 'જોયમોતી' (Joymoti) ને એક નવું જીવન મળવા જઈ રહ્યું છે. પૂરમાં તણાઈ જવાને કારણે ગંભીર રીતે ઘવાયેલી આ હથિણીને વધુ અને અત્યાધુનિક તબીબી સારવાર આપવા માટે રિલાયન્સના ડ્રીમ પ્રોજેક્ટ એવા જામનગર સ્થિત 'વંતારા' (Vantara) ખાતે લાવવામાં આવી રહી છે. વંતારા દ્વારા સોશિયલ મીડિયા પર જોયમોતીના સંઘર્ષ અને રેસ્ક્યૂ ઓપરેશનનો એક હૃદયસ્પર્શી વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

 

સ્થાનિક નાગરિકો અને સરકારી એજન્સીઓની મદદથી જોયમોતીને પૂરના ધસમસતા પ્રવાહમાંથી ઉગારી તો લેવાઈ હતી, પરંતુ લાંબા સમય સુધી પાણીમાં રહ્યા બાદ અને ડૂબવાના ડરથી થયેલી આ અગ્નિપરીક્ષાને કારણે તેના શરીર પર અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને ચાલવામાં અને હરવા-ફરવામાં પણ ભારે તકલીફ થઈ રહી હતી.

 

રોડ માર્ગના બદલે ખાસ એરલિફ્ટ કરવાનો નિર્ણય

 

વંતારાની બચાવ અને પુનર્વસન ટીમે સ્થાન પર પહોંચીને જોયમોતીને પ્રાથમિક તબીબી સંભાળ પૂરી પાડી હતી. જોકે, તેની ૫૩ વર્ષની ઉંમર, ઈજાઓની ગંભીરતા અને રસ્તા માર્ગે લાંબી મુસાફરી કરવાથી શરીરમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને વંતારાના પશુચિકિત્સકોની ટીમે તેને એરલિફ્ટ (વિમાન માર્ગે) કરવાનો મોટો નિર્ણય લીધો હતો. જેથી તેને વગર કોઈ શારીરિક તકલીફે તાત્કાલિક એડવાન્સ વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરી શકાય.

 

ચોવીસેય કલાક મળશે સ્પેશિયલાઇઝ્ડ કેર

 

વંતારા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, "૫૩ વર્ષની જૈફ વયે પણ જોયમોતીએ પૂર સામે જે રીતે જિંદગી માટે ઝીંક ઝીલી છે તે અદ્ભુત છે. અમારી નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ તેને સંપૂર્ણ સ્વસ્થ કરવા માટે તમામ પ્રયાસો કરશે."

 

હથિણીને અસ્થાયી રૂપે વંતારાના અતિઆધુનિક શેલ્ટરમાં રાખવામાં આવશે, જ્યાં તેને ચોવીસેય કલાક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની દેખરેખ અને એડવાન્સ હોસ્પિટલ ટ્રીટમેન્ટ મળશે. આસામના પૂરગ્રસ્ત વિસ્તારથી લઈને વંતારા સુધીની જોયમોતીની આ ભાવનાત્મક સફરે સોશિયલ મીડિયા પર લાખો પ્રાણીપ્રેમીઓના દિલ જીતી લીધા છે.

(5:50 PM IST)