<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

અરબી સમુદ્રમાં સમુદ્રી ચાંચિયાઓનો આતંક: યમન અને સોમાલિયા નજીક ૨ જહાજોનું અપહરણ : ૨૨ ભારતીયો હતા સવાર

આંતરરાષ્ટ્રીય જળસીમામાં વિદેશી ધ્વજ ધરાવતા માલવાહક જહાજો પર ચાંચિયાઓનો કબજો : ભારતીય ખલાસીઓની સલામતી માટે વિદેશ મંત્રાલય અને ભારતીય નૌકાદળ એલર્ટ મોડ પર

નવી દિલ્હી: અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં સમુદ્રી ચાંચિયાઓએ ફરી એકવાર પોતાનો ખોફ વ્યાપક બનાવીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર ભારે ભયનો માહોલ સર્જ્યો છે. યમન અને સોમાલિયાના દરિયાકાંઠા નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થઈ રહેલા બે અલગ-અલગ વ્યાપારી જહાજોનું ચાંચિયાઓએ હથિયારોના જોરે અપહરણ કરી લીધું છે. આ બંને માલવાહક જહાજો પર કુલ ૩૦ ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી ૨૨ નાગરિકો ભારતીય મૂળના છે. આ ઘટના બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ અને નૌકાદળ હરકતમાં આવી ગયું છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે અપહરણ કરાયેલા બંને જહાજો વિદેશી ધ્વજ સાથે મુસાફરી કરી રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, 'MT Sibu 1' નામના પ્રથમ જહાજ પર ૧૬ ભારતીય નાગરિકો સવાર હતા, જ્યારે બીજા અપહરણ કરાયેલા જહાજ પર ૬ ભારતીય ખલાસીઓ તૈનાત હતા. વિદેશ મંત્રાલયે અત્યાર સુધીના અપડેટ્સના આધારે રાહત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જહાજ પર બંધક બનાવાયેલા તમામ ૨૨ ભારતીય નાગરિકો હાલમાં સુરક્ષિત છે.

આ વિસ્તારમાં વધતી ચાંચિયાગીરીની ઘટનાઓને પગલે ભારતીય નૌકાદળે પણ પોતાની પેટ્રોલિંગ કામગીરી તેજ કરી દીધી છે. ભારતીય સત્તાવાળાઓ સતત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને સંબંધિત દેશોના સંપર્કમાં છે જેથી જહાજોને મુક્ત કરાવી શકાય. તમામ ભારતીય ક્રૂ સભ્યોને સશરીર અને સુરક્ષિત રીતે પરત લાવવા માટે વિદેશ મંત્રાલય દ્વારા તમામ શક્ય કાનૂની અને કૂટનીતિક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

(6:35 PM IST)