News of Friday, 21st August 2026
પેલેટ ગન કેસમાં રાહુલ ગાંધીના પ્રયાસો રંગ લાવ્યા! દિલ્હી પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી
ડીસીપી ઓફિસે વિપક્ષી નેતાના આકરા ધરણા અને વધતા રાજકીય દબાણ બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો : આંખની રોશની ગુમાવનાર ૧૯ વર્ષીય વિદ્યાર્થીને ન્યાય અપાવવાની લડાઈ સફળ

નવી દિલ્હી: દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને રચાયેલા ભારે રાજકીય ઘમાસાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અડગ વલણ સામે આખરે દિલ્હી પોલીસને ઝૂકવું પડ્યું છે. ૨૦ જુલાઈના રોજ વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પૅલેટ ગનથી ઘવાયેલા ૧૯ વર્ષીય સાહિલ લોચબના કેસમાં દિલ્હી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરી લીધી છે. રાહુલ ગાંધીના સતત દબાણ અને પોલીસ સ્ટેશન પરિસરમાં શરૂ કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે પીડિત સાહિલની લેખિત ફરિયાદના આધારે આ કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાહુલ ગાંધી પીડિત સાહિલ, તેની માતા અને વકીલોની ટીમ સાથે પહેલા મંદિર માર્ગ પોલીસ સ્ટેશન અને ત્યારબાદ સંસદ માર્ગ સ્થિત ડીસીપી સચિન શર્માની ઓફિસે પહોંચ્યા હતા. પોલીસે કેસ નોંધવાનો ઇનકાર કરતાં રાહુલ ગાંધીએ ત્યાં જ ધરણા શરૂ કરી દીધા હતા. ઘટનાની ગંભીરતા જોતાં પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ અને રણદીપ સિંહ સુરજેવાલા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. રાહુલે માત્ર FIR જ નહીં પરંતુ આ કેસના તપાસ અધિકારી (IO)નું નામ અને સંપર્ક નંબર જાહેર કરવાની માંગ પર મક્કમ રહીને પોલીસ તંત્રને હલબલાવી મૂક્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન પૅલેટ ગનના છરા વાગવાથી સાહિલ લોચબને આંખ, પેટ અને હૃદય નજીક ગંભીર ઇજાઓ થઈ હતી. AIIMS ટ્રોમા સેન્ટરમાં તેની જટિલ સર્જરી કરવામાં આવી હતી, જેમાં તબીબો અને પરિવારે આશંકા વ્યક્ત કરી હતી કે છરા વાગવાને કારણે તેણે પોતાની એક આંખની રોશની ગુમાવી દીધી છે. દિલ્હી પોલીસ શરૂઆતમાં પૅલેટ ગનનો ઉપયોગ થયો હોવાનો ઇનકાર કરી રહી હતી, પરંતુ રાહુલ ગાંધીના આક્રમક વિરોધ અને મીડિયા સમક્ષ રજૂ કરાયેલા પુરાવાઓને પગલે આખરે કેસ નોંધાઈ જતાં કાનૂની તપાસનો માર્ગ મોકળો થયો છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
