<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ભારતીય નિકાસકારો માટે મોટી રાહત: કેન્દ્ર સરકારે 'સ્ટાર એક્સપોર્ટ હાઉસ'ના નિયમો કર્યા સરળ, વેપારને મળશે મોટો વેગ!

DGFT એ વિદેશી વેપાર નીતિમાં કર્યો મહત્વપૂર્ણ સુધારો: હવે સતત ૩ વર્ષને બદલે કોઈપણ ૨ વર્ષના નિકાસ પ્રદર્શનના આધારે મળશે વન સ્ટાર સ્ટેટસ.

નવી દિલ્હી : ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક નિકાસકારોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 'વન સ્ટાર એક્સપોર્ટ હાઉસ' (One Star Export House) ની પાત્રતા માટેના નિયમોમાં મોટી છૂટછાટ આપી છે. આ નવા સુધારાથી દેશના નાના અને ઉભરતા નિકાસકારોને સત્તાવાર 'સ્ટાર દરજ્જો' મેળવવામાં સરળતા રહેશે, જેનાથી તેમના વૈશ્વિક વેપારને નવું બળ મળશે.

 

નવા સુધારેલા નિયમોથી શું બદલાશે?

 

અગાઉના નિયમો મુજબ, નિકાસકાર કંપનીઓએ 'સ્ટાર એક્સપોર્ટ હાઉસ' નો દરજ્જો મેળવવા માટે સતત અગાઉના ત્રણેય નાણાકીય વર્ષોમાં ચોક્કસ નિર્ધારિત નિકાસ લક્ષ્યાંક હાસલ કરવો પડતો હતો. વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT) દ્વારા કરવામાં આવેલા સુધારા અનુસાર, હવે જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર સિવાયના અન્ય તમામ ક્ષેત્રો માટે જો કોઈ કંપની છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાંથી કોઈપણ બે વર્ષમાં નિર્ધારિત નિકાસ પ્રદર્શન ધરાવતી હશે, તો તે 'વન સ્ટાર એક્સપોર્ટ હાઉસ' ના સત્તાવાર દરજ્જા માટે પાત્ર ગણાશે.

 

સ્ટાર સ્ટેટસ ધારકોને મળશે વિશેષ લાભો

 

DGFT દ્વારા નિકાસ પ્રદર્શનના આધારે વન સ્ટારથી લઈને ફાઈવ સ્ટાર સુધીની માન્યતા આપવામાં આવે છે. આ પ્રકારનો 'સ્ટાર સ્ટેટસ' ધરાવતી કંપનીઓને કસ્ટમ્સ ક્લિયરન્સમાં ખાસ સવલતો, સ્વ-ઘોષણા (Self-declaration) ના આધારે આયાત-નિકાસની ઝડપી પ્રક્રિયા અને વિવિધ બિન-નાણાકીય વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે, જેનાથી કાગળ કામગીરી અને સમયનો વ્યય અટકે છે.

 

ઓટોમેટેડ સુવિધાથી પ્રક્રિયા બનશે વધુ ઝડપી

 

આ ઉપરાંત, DGFT એ નિકાસકારો માટે એક નવી ઓટોમેટેડ સુવિધા પણ શરૂ કરી છે. એડવાન્સ ઓથોરાઇઝેશન અને એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ (EPCG) સ્કીમ હેઠળ નિકાસ જવાબદારીની મુદત વધારવા (Export Obligation Extension) માટેની પ્રક્રિયાને હવે ઓટોમેટિક કરવામાં આવી છે. પોલિસી રિલેક્સેશન કમિટી (PRC) પાસે આવતી અરજીઓની પ્રક્રિયા હવે વધુ ઝડપી અને વિલંબ વિના પૂર્ણ થશે, જેથી નિકાસકારોને નીતિવિષયક વિલંબમાંથી મોટી રાહત મળશે.

(7:12 PM IST)