<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ખાડી દેશોમાંથી પાકિસ્તાનીઓની મોટા પાયે હાકલપટ્ટી: સાઉદી અરેબિયા સહિત 6 દેશોએ 20,000 થી વધુ નાગરિકોને તગડી મૂક્યા

ગેરકાયદે રોકાણ, ભીખ માંગવી, ગુનાખોરી અને ઈરાની હુમલાના સંવેદનશીલ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ ખાડી દેશોની આકરી કાર્યવાહી: પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થા પર મોટો ફટકો

ઇસ્લામાબાદ:  પોતાને ખાડી દેશોના ખાસ મિત્ર ગણાવતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના છ દેશો—સાઉદી અરેબિયા, યુએઈ (UAE), ઓમાન, બહેરીન, કતાર અને કુવૈતે મળીને 20,000 થી પણ વધુ પાકિસ્તાની નાગરિકોને પોતાના દેશમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. પાકિસ્તાનની સંસદમાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, માર્ચથી જુલાઈ વચ્ચેના ટૂંકા ગાળામાં જ આ મોટા પાયે દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી કરવામાં આવી છે. આ હકાલપટ્ટીમાં સૌથી મોટો આંચકો સાઉદી અરેબિયાએ આપ્યો છે, જેણે એકલા જ 15,500 થી વધુ પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા છે.

પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ, પાકિસ્તાની નાગરિકો વિદેશમાં અનેક પ્રકારની ગેરકાયદેસર અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં લિપ્ય મળી આવ્યા હતા. જેમાં વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહેવું, નકલી દસ્તાવેજો બનાવવો, ડ્રગ્સ સંબંધિત ગુનાઓ, ચોરી, અને સાર્વજનિક સ્થળોએ ભીખ માંગવી જેવા ગંભીર કારણો સામેલ છે. આ સિવાય 4,628 લોકોને "ભાગેડુ" જાહેર કરવામાં આવ્યા હતા અને 1,294 લોકોને જેલમાં ધકેલી દેવાયા બાદ ડિપોર્ટ કરાયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે ઈરાન-અમેરિકા સંઘર્ષ દરમિયાન ખાડી દેશોમાં થયેલા ઈરાની હુમલા અને તેનાથી થયેલા નુકસાનના વિડિઓ બનાવી સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ પણ સુરક્ષા એજન્સીઓએ અનેક પાકિસ્તાનીઓની અટકાયત કરીને તેમને દેશમાંથી તગડી મૂક્યા છે.

ખાડી દેશોમાં વસતા લાખો પાકિસ્તાની મજૂરો અને કર્મચારીઓ દ્વારા મોકલવામાં આવતા નાણાં  પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ સહારો છે. પરંતુ આ રીતે હજારો નાગરિકોની હકાલપટ્ટી થવાથી અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવતા પાકિસ્તાન પર આર્થિક અને રાજદ્વારી બંને સ્તરે ભારે દબાણ ઊભું થયું છે. બહેરીન જેવા દેશોમાં તો સંવેદનશીલ વિડિઓ શૂટ કરવા બદલ ધરપકડ કરાયેલા લોકોમાં મોટાભાગના પાકિસ્તાનીઓ જ હતા. પોતાના જ નાગરિકોની આવી હરકતોને કારણે હવે ગલ્ફ દેશોમાં બાકી રહેતા પાકિસ્તાનીઓ પર પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે, જે પાકિસ્તાન માટે વૈશ્વિક મંચ પર અત્યંત અપમાનજનક બાબત સાબિત થઈ છે.

(10:08 PM IST)