તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
મહાત્મા ગાંધીજીના હસ્તલિખિત વિચારોનો સંગ્રહ સફરનઆર્ટની હરાજીમાં ₹૧૬.૨૦ કરોડમાં વેચાયો : ઈતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો
સ્વાતંત્ર્ય સેનાની આનંદ હિંગોરાણીને લિખિત ૬૮૮ હસ્તપ્રતો ભારતના જ અજ્ઞાત ખરીદદારે ખરીદી : ગાંધીજીની ‘પેટી ચરખી’, દુર્લભ તસવીરો અને પત્રોનું પણ કરોડો રૂપિયામાં વેચાણ થયું

નવી દિલ્હી: ભારતના ઈતિહાસમાં હરાજીમાં વેચાયેલા દસ્તાવેજોના તમામ જૂના રેકોર્ડ તોડતા મહાત્મા ગાંધીજીના હસ્તલિખિત ૬૮૮ વિચારોનો અનોખો સંગ્રહ ‘સફરનઆર્ટ’ (Saffronart) હરાજી ગૃહ દ્વારા ૧૬.૨૦ કરોડ રૂપિયામાં વેચાયો છે. આ ઐતિહાસિક હરાજીમાં વિજેતા બનેલા ખરીદદારે પોતાની ઓળખ અજ્ઞાત રાખી છે. જોકે, હરાજી ગૃહે સત્તાવાર પુષ્ટિ કરી છે કે આ દુર્લભ હસ્તપ્રતો ભારતના જ એક ખરીદદારે ખરીદી છે, જેથી આ અમૂલ્ય રાષ્ટ્રીય વારસો દેશમાં જ જળવાઈ રહેશે.
‘એ થોટ ફોર ધ ડે’ પુસ્તકનો પાયો અને તેની પૃષ્ઠભૂમિ:
આ ૬૮૮ હસ્તલિખિત સંદેશાઓ મહાત્મા ગાંધીએ ૨૩ મહિનાના સમયગાળા દરમિયાન પોતાના નજીકના સહયોગી અને સ્વાતંત્ર્ય સેનાની આનંદ ટી. હિંગોરાણી માટે લખ્યા હતા. આનંદ હિંગોરાણીની પત્ની વિદ્યાના અવસાન બાદ તેમને સાંત્વના આપવા અને માર્ગદર્શન પૂરું પાડવા ગાંધીજીએ આ દૈનિક સુવિચાર લખી આપ્યા હતા. આ જ વિચારોને બાદમાં ‘એ થોટ ફોર ધ ડે’ (A Thought for the Day) નામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આનંદ હિંગોરાણી ૧૯૩૦માં મહાત્મા ગાંધીને મળ્યા હતા અને સાબરમતી આશ્રમમાં સેવા આપી હતી. આ ઉપરાંત તેમણે દાંડી કૂચ, સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડો આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો હતો.
હરાજીમાં સમાવિષ્ટ મુખ્ય વસ્તુઓ અને બોલીના આંકડા:
‘ગાંધી: ફ્રોમ ધ કલેક્શન ઓફ આનંદ ટી. હિંગોરાણી’ શીર્ષક હેઠળ યોજાયેલી આ હરાજીમાં કુલ ૮૬ જેટલાં લોટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીજીના પત્રો, દુર્લભ તસવીરો, હસ્તપ્રતો અને અંગત વસ્તુઓનો સમાવેશ થતો હતો. હરાજીના મુખ્ય આકર્ષણોમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે:
મેસેજ ઓન ગોડ: ભગવાન અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર ગાંધીજીના વિચારો ધરાવતી ત્રણ હસ્તપ્રતોનો સેટ ૧.૬૮ કરોડ રૂપિયામાં (૧૭૬,૮૪૨ યુએસ ડોલર) વેચાયો હતો.
અંગત વસ્તુઓ: સ્પિનિંગની આધ્યાત્મિક શિસ્ત પર લખાયેલા બે પત્રો સાથેની ‘પેટી ચરખી’ (બોક્સ સ્પિનિંગ વ્હીલ) ૧.૦૨ કરોડ રૂપિયામાં (૧૦૭,૩૬૮ યુએસ ડોલર) બોલાઈ હતી.
હસ્તાક્ષર વાળી તસવીર: મહાત્મા ગાંધી લખી રહ્યા હોય તેવી હસ્તાક્ષરિત પ્રસ્તુતિ તસવીર ૭૮ લાખ રૂપિયામાં (૮૨,૧૦૫ યુએસ ડોલર) વેચાઈ હતી.
આર્થિક સ્વતંત્રતા પરના પત્રો: આર્થિક આત્મનિર્ભરતા પર કેન્દ્રિત પત્રો, ટેલિગ્રામ અને પોસ્ટકાર્ડ્સનો સેટ ૫૭.૬૦ લાખ રૂપિયામાં (૬૦,૬૩૨ યુએસ ડોલર) ખરીદાયો હતો.
સત્ય, અહિંસા અને જીવનમૂલ્યોનો સમન્વય:
હરાજી ગૃહે જણાવ્યા મુજબ, હિંગોરાણી પરિવારે દાયકાઓ સુધી સાચવેલા આ સંગ્રહમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સર્વધર્મ સમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, રામનામ, કર્તવ્ય, સ્વરાજ અને ઈશ્વરની શોધ જેવા ગંભીર અને જીવનઉપયોગી વિષયોનું વિગતવાર વિવેચન કરવામાં આવ્યું છે.
સફરનઆર્ટના સહ-સ્થાપક દિનેશ વઝીરાણીએ આ હરાજી અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આનંદ હિંગોરાણી સંગ્રહને હરાજીમાં મૂકવો એ એક મોટો લહાવો હતો. ગાંધીજીના વિચારો અને તેમના અંગત સંબંધોના દ્રષ્ટિકોણથી આ હસ્તપ્રતો અત્યંત મહત્વપૂર્ણ છે. લોટ ૮૦ (Reflections Written by Gandhi) ને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી તેની ઐતિહાસિક દુર્લભતા સાબિત થાય છે, જેનાથી ગાંધીજીએ જાહેર જીવનમાં આપેલા સિદ્ધાંતોને પોતે અંગત જીવનમાં કેવી રીતે ઉતાર્યા હતા તે નજીકથી સમજવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
