<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

પુત્રએ પહાડ પરથી લગાવી છલાંગઃ રોકવા ગયેલા પિતા પડયાઃ સદમામાં મા પણ કુદીઃ પળવારમાં પરિવાર વિખેરાયો

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં એક પરિવાર સાથે બનેલી ઘટનાએ સૌને હચમચાવી દીધા

છત્રપતિ સંભાજીનગર તા.૨૨: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્‍લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક ૧૮ વર્ષીય યુવકને બચાવવાના પ્રયાસ દરમિયાન તેના માતા-પિતાનું પણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાએ સમગ્ર વિસ્‍તારમાં શોકની લાગણી ફેલાવી છે.મળતી માહિતી મુજબ, દેવલાઈ ગામનો પરિવાર શુક્રવારે સવારે એક પહાડી વિસ્‍તાર પાસે પહોંચ્‍યો હતો. યુવક અત્‍યંત ઉદાસ સ્‍થિતિમાં હોવાનું અને જીવન ટૂંકાવવાની વાત કરી રહ્યો હોવાનું જણાવાયું છે. પરિવારના સભ્‍યો અને સ્‍થાનિક ગ્રામજનોએ તેને લાંબા સમય સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

લગભગ ૩કલાક સુધી પરિવાર અને ગ્રામજનોએ યુવકને સમજાવ્‍યો હતો. લોકોએ તેને પોતાના ભવિષ્‍ય અને પરિવાર વિશે વિચારવા વિનંતી કરી હતી. જોકે, યુવક પોતાની વાત પર અડગ રહ્યો હોવાનું સામે આવ્‍યું છે.આખરે યુવકે દુઃખદ પગલું ભર્યું હતું. તેને બચાવવાના પ્રયાસમાં તેના પિતા પણ નીચે પડી ગયા હતા. બંનેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, પરંતુ ઘટનાનો અંત કરુણ રહ્યો.

પોતાના પતિ અને પુત્રને આંખો સામે ગંભીર સ્‍થિતિમાં જોતા માતા પણ આઘાતમાં આવી ગઈ હતી અને તેણે પણ દુઃખદ પગલું ભર્યું હોવાનું સામે આવ્‍યું છે. આ રીતે એક જ ઘટનામાં પરિવારના ત્રણ સભ્‍યોના મોત થયા.ઘટનાને લઈને એક વીડિયો પણ સામે આવ્‍યો હોવાનું જણાવાયું છે, જેમાં ઘટનાના અગાઉના દ્રશ્‍યો અને લોકોને યુવકને સમજાવવાના પ્રયાસો જોવા મળે છે. યુવકે આવું પગલું શા માટે ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારની સ્‍થિતિ, યુવકની માનસિક સ્‍થિતિ અને ઘટનાના સંજોગો અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

(9:54 AM IST)