હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પના ૫૦% ટેરિફ બોમ્બ સામે કેનેડા ભડકયુઃ ‘ઈંટનો જવાબ પથ્થરથી' આપવાની ધમકી
ત્રણ દિવસ સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો નિષ્ફળ અમેરિકા અને કેનેડા વચ્ચે દાયકાઓ જુનો મુક્ત વેપાર સંબંધ તૂટવાના આરે

વોશિંગ્ટન, તા.૨૨: ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ને વચ્ચેનો વેપારી યુદ્ધ હવે પૂર્ણ કક્ષાના આર્થિક સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. વોશિંગ્ટનમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલી મેરાથોન વાટાઘાટો અંતે નિષ્ફળ જતાં અમેરિકાએ કેનેડાથી આવતા આશરે ૨૦ અબજ યુએસ ડૉલરના માલસામાન પર મધ્યરાત્રિથી ૫૦% નો જંગી ટેરિફ ઝીંકી દીધો છે. ટ્રમ્પ તંત્ર દ્વારા ૧૯૩૦ ના ટેરિફ એક્ટની કલમ ૩૩૮ નો ઉપયોગ કરીને લાદવામાં આવેલા આ ટેક્સના જવાબમાં, કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્નેએ સ્પષ્ટ કર્યું છે કે કેનેડા પણ અમેરિકા સામે ડૉલર સામે ડૉલરનો વળતો પ્રહાર કરશે અને પોતાના દેશના કામદારો તથા વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ પીછેહઠ કરશે નહીં.
વેપાર વાટાઘાટો તૂટવા પાછળ બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે દાવો કર્યો હતો કે અમેરિકાએ કેનેડિયન વાહનો પર ટેરિફ ૨૫% થી ઘટાડીને ૧૫% અને સ્ટીલ-એલ્યુમિનિયમ પર ૫૦% થી ઘટાડીને ૨૫% કરવાની ઓફર કરી હતી. પરંતુ, કેનેડા તરફથી અમેરિકન વાઇન, ડેરી પ્રોડક્ટ્સ અને ઓટોમોબાઇલ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા અંગે કોઈ સહમતિ સધાઈ ન હતી. બીજી તરફ, કેનેડિયન વડાપ્રધાન કાર્નેએ આરોપ લગાવ્યો છે કે વાટાઘાટોના અંતિમ તબક્કામાં અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલી શરતો સંપૂર્ણપણે ગેરવાજબી, અસમાન અને આર્થિક રીતે નુકસાનકારક હતી, જેના કારણે આ કરાર સ્વીકારવો શકય ન હતો.
આ આર્થિક મહાસંગ્રામની સીધી અસર ઉત્તર અમેરિકાના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. સ્પોર્ટ્સ સાધનો, વાહનોના પાર્ટ્સ, સીમેન્ટ, સ્ટીલ અને રોજીંદી વપરાશની વસ્તુઓ પર ૫૦% ડ્યૂટી લાગવાથી ફુગાવો અતિશય વધવાની શકયતા છે. કેનેડા સરકારે પોતાના સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે અગાઉ જાહેર કરેલી સહાય ઉપરાંત વધારાના રાહત પેકેજ આપવાની તૈયારી દર્શાવી છે. અમેરિકા સાથેના વેપાર પર નિર્ભરતા ઘટાડવા માટે કેનેડા હવે વિશ્વના અન્ય દેશો સાથે તેના વેપારનું વૈવિધ્યીકરણ કરી રહ્યું છે, જેનાથી આગામી સમયમાં વૈશ્વિક સપ્લાય ચેઈન પર મોટી અસરો જોવા મળશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
