તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
અમેરિકા-કેનેડા આંતરરાષ્ટ્રીય ડેલિગેશનના ભાગરૂપે કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટોરોન્ટો પહોંચશે : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 પૂર્વે વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા અને વિદેશી રોકાણ મેળવવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડેલિગેશનનો વિદેશ પ્રવાસ
મુખ્યમંત્રી યુનિવર્સિટી ઑફ વોટરલૂ, કેનેડા નિકલ કંપની, HGS બાયોસાયન્સ, ફેરફેક્સ અને કેનેડિયન ટાયર્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે; TiEના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ નેતૃત્વ કરશે : અમેરિકા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગુગલ, પર્પ્લેક્સિટી અને વોલમાર્ટના વરિષ્ઠ નેતૃત્વ સાથે મુલાકાત કરી

ગાંધીનગર તા.૨૨ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાની મુલાકાતે છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 પૂર્વે વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમજ વિદેશી રોકાણ પ્રાપ્ત કરવા માટે રાજ્યના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત યોજાઈ રહી છે. આ પ્રવાસના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી 23 ઑગસ્ટ, 2026ના રોજ કેનેડાના ટોરોન્ટો ખાતે પહોંચશે.
ટોરોન્ટો મુલાકાત દરમિયાન કેનેડા અને ગુજરાત વચ્ચે આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિવિધ બેઠકો, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ અને પરસ્પર સંવાદો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાતની વધી રહેલી આર્થિક ક્ષમતાને રજૂ કરશે તેમજ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરશે.
23 ઑગસ્ટ, 2026ના રોજ ટોરોન્ટો એરપોર્ટ ખાતે કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા (CGI) તથા ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો સાથે સંવાદ કરશે તથા ફેડરેશન ઓફ ગુજરાત (FOG) અને CGI કાર્યાલય દ્વારા આયોજિત સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
24 ઑગસ્ટ, 2026ના રોજ મુખ્યમંત્રીશ્રી ધ ઇન્ડસ ઓંત્રપ્રિન્યોર્સ (TiE)ના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું નેતૃત્વ કરશે, જેમાં ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક દરમિયાન ગુજરાતની વિકસિત થઈ રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી બિઝનેસ કાઉન્સિલ ઓફ કેનેડાના પ્રમુખ અને સીઇઓ, શ્રી ગોલ્ડી હાયડર સાથે મુલાકાત કરશે. તેઓ GSFCની રાઉન્ડ ટેબલ બેઠકમાં પણ ભાગ લેશે, જેમાં ઓન્તારિઓના રિજનલ ડાયરેક્ટર સહિત EDC તથા KRNના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીશ્રી અગ્રણી ઉદ્યોગો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પણ બેઠકોમાં ઉપસ્થિત રહેશે. તેમાં યુનિવર્સિટી ઓફ વોટરલૂ, કેનેડા નિકલ કંપની, HGS બાયોસાયન્સ, ફેરફેક્સ તથા કેનેડિયન ટાયર્સના પ્રતિનિધિ સાથે મુખ્યમંત્રીશ્રી મુલાકાત કરશે. આ મુલાકાતો દરમિયાન મુખ્યમંત્રીશ્રી ગુજરાત સાથે સહયોગ, રોકાણ અને ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરશે.
અમેરિકા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડી.સીમાં અગ્રણી ઉદ્યોગ અને ટેક્નોલોજી ક્ષેત્રના વરિષ્ઠ નેતૃત્વ સાથે મુલાકાતો કરી હતી અને જાણીતી સંસ્થાઓની મુલાકાત લઈને ગુજરાતમાં રોકાણ અને ભાગીદારી માટે વિવિધ તકોનું મૂલ્યાંકન કર્યું હતું. અમેરિકાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સાન ફ્રાન્સિસ્કોમાં TDK વેન્ચર્સના પ્રેસિડેન્ટ શ્રી નિકોલસ સૌવેજ, વાધવાની ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન ડૉ. રોમેશ વાધવાની, એપ્લાય્ડ મટેરિયલ્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ડૉ. ઓમકારામ (ઓમ) નાલામાસુ, મોડ્યુટેક કોર્પોરેશનના સીઇઓ વિનિત શ્રીવાસ્તવ, Zscaler ના ફાઉન્ડર, ચેરમેન અને સીઇઓ જય ચૌધરી તથા એનાલોગ ડિવાઈસમાં ગ્લોબલ ઓપરેશન્સ એન્ડ ટેક્નોલોજીના એક્ઝિ. વાઈસ પ્રેસિડેન્ટ વિવેક જૈન સાથે મુલાકાત યોજી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રતિનિધિમંડળ સાથે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે વોશિંગ્ટન જવા પ્રસ્થાન કર્યું હતું.
વોશિંગ્ટનમાં મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે માઈક્રોન અને ગુગલના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં માઈક્રોન તરફથી ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઇઓ સંજય મેહરોત્રા અને ગુગલ વર્કસ્પેસમાં એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુ થોટા સામેલ થયા હતા. તે સિવાય પર્પ્લેક્સિટી અને વોલમાર્ટ કંપની સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી જેમાં પર્પ્લેક્સિટી તરફથી કો ફાઉન્ડર અને સીઈઓ અરવિંદ શ્રીનિવાસ અને વોલમાર્ટમાં ગ્લોબલ પબ્લિક પોલિસી અને ગવર્મેન્ટ અફેયર્સના એક્ઝિ. વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ સિલિકોન વેલીના ધ ઇન્ડસ ઓંત્રપ્રિન્યોર્સ (TiE)ના સભ્યો સાથે પણ સંવાદ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
