<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કાશ્મીર ખીણમાં રેલ ક્રાંતિ: જમ્મુ-શ્રીનગર વચ્ચે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી .......ઉધમપુર સ્ટેશનનો સમાવેશ થતાં સ્થાનિકોમાં હરખાવ અને લોકલ ટ્રેનની નવી માંગ!

જમ્મુ :  જમ્મુ અને કાશ્મીરના રમણીય પહાડી માર્ગો પર ભારતીય રેલવે હવે ઝડપ અને સુવિધાનો નવો અધ્યાય લખવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે રેલવે મંત્રાલયે જમ્મુ તાવી અને શ્રીનગર વચ્ચે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 26407/26408) શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નવી સેવામાં સ્થાનિક લોકોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને 'શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર' સ્ટેશન પર વિશેષ સ્ટોપ આપવામાં આવ્યો છે. આ ટ્રેન એફિલ ટાવર કરતાં પણ ઊંચા અને વિશ્વપ્રસિદ્ધ ચેનાબ બ્રિજ પરથી પસાર થઈને માત્ર ૪ કલાક અને ૪૫ મિનિટમાં ૨૬૯ કિલોમીટરનું અંતર કાપશે.

આ જાહેરાત બાદ એક તરફ ઉધમપુરના નાગરિકોમાં ખુશીની લહેર છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર મંત્રી સામે પ્રશ્નોનો પણ અંબાર લાગ્યો છે. X (ટ્વિટર) પર નેટીઝન્સ ટિપ્પણી કરી રહ્યા છે કે પ્રીમિયમ વંદે ભારત ટ્રેનોથી ઉચ્ચ વર્ગ અને પ્રવાસીઓને ફાયદો થાય છે, પરંતુ સામાન્ય નાગરિકો અને રોજિંદા મુસાફરો માટે તમામ નાના સ્ટેશનો પર ઊભી રહે તેવી "લોકલ મેમુ/ડેમુ ટ્રેન" શરૂ કરવી અત્યંત જરૂરી છે. યુઝર્સનું કહેવું છે કે સ્થાનિક વેપારીઓ અને કામદારો માટે વધુ એક વંદે ભારત કરતાં તમામ સ્ટેશનોને સાંકળતી રીજનલ કનેક્ટિવિટી વધારે ઉપયોગી સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૨૫માં કટરા-શ્રીનગર વચ્ચે શરૂ થયેલી અને એપ્રિલ ૨૦૨૬થી જમ્મુ સુધી લંબાવાયેલી પ્રથમ બે વંદે ભારત ટ્રેનો સતત ૧૦૦% ઓક્યુપન્સી સાથે દોડી રહી છે, જેના કારણે તેમાં કોચની સંખ્યા ૧૬ થી વધારીને ૨૦ કરવી પડી છે. આ રૂટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોતાં આ ત્રીજી ટ્રેન ક્ષમતા વધારવા માટે માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. જોકે, હવે તંત્ર પર વંદે ભારતની સાથે સાથે સામાન્ય જનતા માટે આર્થિક રીતે પરવડે તેવી લોકલ ટ્રેન ચલાવવાનું દબાણ વધી રહ્યું છે.

(5:53 PM IST)