<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

જળ મોરચે ભારત ઘેરાયું: પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશે પણ ‘વોટર ક્લોઝ’ અને તીસ્તા નદીના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર જવાની ધમકી આપી, દક્ષિણ એશિયામાં ડિપ્લોમેટિક સંગ્રામના એંધાણ

​ગંગા જળ સંધિના રિન્યુઅલમાં ‘ગેરંટી ક્લોઝ’ ઉમેરવા અને તીસ્તા નદીના પાણીના બંટવારા બાબતે બાંગ્લાદેશના જળસંપત્તિ મંત્રી શહબુદ્દીન ચૌધરીએ આકરું વલણ અપનાવ્યું; ડિસેમ્બર ૨૦૨૬માં મુદત પૂરી થતી ૩૦ વર્ષ જૂની સંધિ મુદ્દે ઢાકા અને ઈસ્લામાબાદની એકસરખી નીતિ સામે આવતાં ભારતીય કૂટનીતિ માટે વિદેશ ક્ષેત્રે નવો પડકાર ઊભો થયો.

​નવી દિલ્હી / ઢાક : દક્ષિણ એશિયાઈ પ્રદેશમાં જળ કૂટનીતિ (વોટર ડિપ્લોમસી) ક્ષેત્રે મોટો ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાન દ્વારા સિંધુ જળ સંધિ મુદ્દે કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્તરના વિવાદ બાદ હવે બાંગ્લાદેશે પણ ભારત સામે જળ બંટવારાના મુદ્દાઓને લઈને આકરું વલણ અખત્યાર કર્યું છે. બાંગ્લાદેશના જળસંપત્તિ મંત્રી શાહિદુદ્દીન ચૌધરી અનીએ નવી દિલ્હી સામે કડક માંગણી મૂકતાં સ્પષ્ટ કર્યું છે કે, ભારત સાથે થનારી ગંગા જળ સંધિમાં 'ગેરંટી ક્લોઝ' ઉમેરવામાં આવે અને તીસ્તા નદીના પાણીના હિસ્સા અંગે વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો ભારત આ બાબતે સકારાત્મક વલણ નહીં દાખવે તો બાંગ્લાદેશ સંયુક્ત રાષ્ટ્ર (UN) સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર જતાં અચકાશે નહીં.

​ડિસેમ્બર ૨૦૨૬માં પૂરી થાય છે ૩૦ વર્ષીય ગંગા જળ સંધિ

બાંગ્લાદેશના પાટનગર ઢાકા ખાતે યોજાયેલા એક સેમિનારમાં બોલતાં જળસંપત્તિ મંત્રી શાહિદુદ્દીન ચૌધરીએ જણાવ્યું હતું કે, ૧૯૯૬માં તત્કાલીન શેખ હસીના સરકારના સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૩૦ વર્ષ માટે ગંગા જળ સંધિ થઈ હતી, જેની મુદત ડિસેમ્બર ૨૦૨૬માં પૂર્ણ થઈ રહી છે. ૧૯૭૭ની જૂની સંધિમાં ‘ગેરંટી ક્લોઝ’ શામેલ હતો, પરંતુ ૧૯૯૬ની નવી સંધિમાં તેને હટાવી દેવામાં આવ્યો હતો. આ ક્લોઝની મુખ્ય શરત એ છે કે સુકા અઠવાડિયાઓ દરમિયાન કે નદીમાં પાણીનું સ્તર અત્યંત ઘટી જાય તેવા કટોકટીના સમયે પણ ફરક્કા બેરેજ પરથી બાંગ્લાદેશને ન્યૂનતમ નક્કી કરેલો પાણીનો જથ્થો મળવો જ જોઈએ.

​વર્તમાન સંધિ મુજબ, જ્યારે ફરક્કા ખાતે પાણીનો પ્રવાહ ૭૦,૦૦૦ ક્યુસેકથી ઓછો થાય છે, ત્યારે ૧૧ માર્ચથી ૧૦ મે સુધીના અતિસંવેદનશીલ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે દસ-દસ દિવસના વારાફરતી ધોરણે પાણીનું વિભાજન થાય છે. બાંગ્લાદેશની માંગ છે કે રિન્યુઅલ વખતે આ સુધારાને કાનૂની ગેરંટી તરીકે સમાવવામાં આવે.

​તીસ્તા પ્રોજેક્ટ અને સંયુક્ત રાષ્ટ્રમાં મુદ્દો ઉઠાવવાની તૈયારી

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન આ સમગ્ર બાબતની સમીક્ષા કરી રહ્યા છે. જળ મંત્રીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ તીસ્તા નદી પર કાયમી જળ વ્યવસ્થાપન યોજના અમલમાં મૂકવા મક્કમ છે. ભારત સાથે સહયોગ કરીને અથવા તો અન્ય વૈકલ્પિક યોજનાઓ દ્વારા પણ તીસ્તા પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવશે. આગામી મહિને યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બાંગ્લાદેશના વડાપ્રધાન આ મુદ્દો વૈશ્વિક મંચ પર ઉઠાવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

​UNECE વોટર કન્વેન્શનનો સહારો

બાંગ્લાદેશે જૂન ૨૦૨૫માં સંયુક્ત રાષ્ટ્રના સમર્થન વાળા 'UNECE વોટર કન્વેન્શન' પર હસ્તાક્ષર કર્યા હતા અને તે દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો હતો જે આ આંતરરાષ્ટ્રીય સંધિનો સભ્ય બન્યો હોય. જોકે ભારત આ કન્વેન્શનનો ભાગ નથી અને તે કોઈ ટ્રિબ્યુનલ નથી, તેથી ભારતીય હિતો પર તેની કાનૂની બંધનકર્તા અસર થતી નથી. છતાં, બાંગ્લાદેશ પોતાના જળ અધિકારો માટે વૈશ્વિક સ્તરે કાનૂની અને સંસ્થાકીય આધાર મજબૂત કરવા માટે આ મંચનો ઉપયોગ કરી રહ્યું છે.

​પાકિસ્તાન અને બાંગ્લાદેશની એકસરખી કૂટનીતિક ચાલ

આ અગાઉ એપ્રિલ ૨૦૨૬માં પાકિસ્તાન પણ સિંધુ જળ સંધિ (Indus Water Treaty) ને મોકૂફ રાખવાના ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC) માં પહોંચ્યું હતું અને તેને પ્રાદેશિક શાંતિ માટે ખતરો ગણાવ્યો હતો, જોકે ત્યાં પાકિસ્તાનને ખાસ સફળતા મળી નહોતી. હવે બાંગ્લાદેશ પણ બિલકુલ એ જ તર્જ પર પાણીના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની ચાલ ચાલી રહ્યું છે. બંને પડોશી દેશો વચ્ચે કોઈ ઔપચારિક રાજદ્વારી ગઠબંધન જાહેર થયું નથી, પરંતુ જળ વિવાદમાં બંને મુલ્કોની ભાષા અને આંતરરાષ્ટ્રીયકરણ કરવાની વ્યૂહરચના એકસમાન દેખાઈ રહી છે, જે ભારતીય વિદેશ નીતિ અને સુરક્ષા સંસ્થાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.

(6:05 PM IST)