<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ખાંડના ભાવમાં ભડકો અને ઘટતા સ્ટોક મુદ્દે કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો: મલ્લિકાર્જુન ખડગેએ ઈથેનોલ નીતિ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

​તહેવારોની મોસમ ટાંકણે જ ખાંડના ભાવ ત્રણ મહિનામાં ૪૦ ટકા વધી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું; દેશમાં ખાંડનો જથ્થો ૯ વર્ષની નીચલી સપાટીએ પહોંચવા છતાં ઔદ્યોગિક ઇંધણ બનાવવા માટે શેરડીનો વપરાશ ચાલુ રખાતા વિપક્ષે આત્મનિર્ભર ભારતની નીતિ સામે વિરોધ નોંધાવ્યો

​નવી દિલ્હી: ​દેશભરમાં આગામી તહેવારોની મોસમ પૂર્વે જ આમ આદમીના રસોડાના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. છેલ્લા ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ ખાંડના છૂટક ભાવમાં અંદાજે ૪૦ ટકા જેટલો તીવ્ર વધારો નોંધાયો છે. ખાંડની વધતી કિંમતો અને દેશમાં ઊભી થયેલી અછતની પરિસ્થિતિને લઈને વિપક્ષી પક્ષ કોંગ્રેસે કેન્દ્રની મધ્યસ્થ સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (ટ્વિટર) પર એક વિગતવાર પોસ્ટ શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની આર્થિક તેમજ કૃષિ નીતિઓ સામે તીખા પ્રહારો કર્યા છે.

​કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે જ કેન્દ્ર સરકારની અયોગ્ય નીતિઓના કારણે દેશના સામાન્ય નાગરિકોના જીવનમાં મીઠાસને બદલે કડવાશ ઘોળાઈ ગઈ છે. તેમણે સરકારી આંકડાઓ અને વર્તમાન પરિસ્થિતિનો હવાલો આપતા કેન્દ્ર સરકાર સમક્ષ મુખ્ય ત્રણ આકરા પ્રશ્નો રજૂ કર્યા છે અને આ પરિસ્થિતિ માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

​૯ વર્ષની નીચલી સપાટીએ ખાંડનો સ્ટોક:

મલ્લિકાર્જુન ખડગેએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર દેશોમાંથી એક ગણાય છે. તેમ છતાં, આજે દેશમાં ખાંડનો કુલ અનામત જથ્થો છેક ૯ વર્ષની સૌથી નીચલી સપાટીએ કેવી રીતે પહોંચી ગયો? દેશમાં ઉત્પાદન ઘટવાને કારણે આજે એવી સ્થિતિ નિર્માણ પામી છે કે સરકારે ખાંડની નિકાસ પર સંપૂર્ણ રોક લગાવવી પડી છે. આટલું જ નહીં, સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારને ૧૦ લાખ ટન ખાંડની ડ્યુટી-ફ્રી (કરમુક્ત) આયાત કરવાની ફરજ પડી રહી છે.

​ઈથેનોલ નીતિની સમીક્ષા કરવાનો સૂર:

કેન્દ્ર સરકારની ઈથેનોલ બ્લેન્ડિંગ નીતિ પર સવાલો ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે દેશની અંદર ખાંડની આટલી મોટી અછત સર્જાઈ રહી છે અને સરકારે વિદેશોમાંથી ખાંડ મંગાવવી પડી રહી છે, ત્યારે 'E20' (પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ મેળવવાની યોજના) હેઠળ શેરડી અને અનાજનો મોટો જથ્થો ઈથેનોલ બનાવવા પાછળ કેમ વેડફવામાં આવી રહ્યો છે? તેમણે માંગ કરી હતી કે વર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખીને સરકારે આ ઈથેનોલ નીતિની ત્વરિત સમીક્ષા કરવી જોઈએ.

​'આવું કેવું આત્મનિર્ભર ભારત?'

સરકારના દવાઓ સામે કટાક્ષ કરતા ખડગેએ પ્રશ્ન કર્યો હતો કે, "આ કેવા પ્રકારનું 'આત્મનિર્ભર ભારત' છે?" પહેલા દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટે છે, ત્યારબાદ તેનો સ્ટોક છેલ્લા ૯ વર્ષના તળિયે પહોંચી જાય છે, સ્થિતિ સુધારવા વિદેશથી ખાંડની આયાત કરવી પડે છે અને બીજી તરફ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ શેરડીને પેટ્રોલ સાથે ભેળવવા માટે ઈથેનોલમાં હોમી દેવામાં આવે છે.

​છેલ્લા ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં થયેલા ૪૦ ટકાના જંગી વધારા માટે તેમણે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની આયોજન વગરની નીતિઓને જવાબદાર ઠેરવી છે. આગામી દિવસોમાં ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાંડના ભાવમાં થયેલો આ ભડકો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે મોટો આર્થિક બોજ બની રહેશે.

(6:05 PM IST)