<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨૭ ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે: જળમગ્ન બોપલમાં યોજાશે ખાસ લોકદરબાર

ભારે વરસાદમાં હાલાકી ભોગવનાર નાગરિકોની રૂબરૂ રજૂઆત સાંભળશે; ઓલિમ્પિક ૨૦૩૬ અને કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારીઓની યોજાશે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી ૨૭ ઓગસ્ટના રોજ ગુજરાતની એક દિવસીય મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાની સાથે સાથે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેક-ટુ-બેક સમીક્ષા બેઠકોનો દોર પણ યોજવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આ પ્રવાસને લઈને રાજ્યના રાજકીય અને વહીવટી આલમમાં ભારે ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.

 

પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહ અમરેલી ખાતે આયોજિત એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે બોપલ-ઘુમા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં રહીશોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. તે સમયે પણ અમિતભાઈ શાહે સ્થિતિ અંગે સતત ચિંતા વ્યક્ત કરી હતી.

 

બોપલમાં લોકદરબારનું આયોજન

 

બોપલ અને ઘુમા વિસ્તારના સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને સોસાયટીના રહીશો પોતાની સમસ્યાઓ અને રજૂઆતો સીધી કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ મૂકી શકે તે માટે બોપલ ખાતે એક વિશેષ 'લોકદરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકદરબારમાં તેઓ નાગરિકોની ફરિયાદો સાંભળીને ભવિષ્યમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે તંત્રને જરૂરી દિશાનિર્દેશો આપશે.

 

ઓલિમ્પિક ૨૦૩૬ અને કોમનવેલ્થ ગેમ્સ અંગે સમીક્ષા

 

કેન્દ્રીય ગૃહમંત્રીના આ પ્રવાસનું સૌથી મહત્વનું પાસું રમતગમત ક્ષેત્રે ભારતની વૈશ્વિક દાવેદારી સાથે જોડાયેલું છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, જેમાં:


 

  • વર્ષ ૨૦૩૬ ઓલિમ્પિક્સ: અમદાવાદમાં યોજાનાર સંભવિત ઓલિમ્પિક રમતગમત મહોત્સવ માટેના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોની પ્રગતિની સમીક્ષા કરાશે.

 

  • વર્ષ ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ: ગેમ્સના આયોજન, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને ટ્રાફિક-મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા હાથ ધરાશે.

 

કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ સ્થાનિક પ્રશ્નોના નિકાલની સાથે સાથે અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાના સ્વપ્નને ઝડપથી સાકાર કરવાની દિશામાં અત્યંત નિ નિર્ણાયક સાબિત થશે.

 

(6:25 PM IST)