<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

થાળીમાં પીરસાતું 'ઝેર': યુપી બાદ હવે કર્ણાટકમાં પણ નકલી પનીર પર લાગ્યો ૧ વર્ષનો પ્રતિબંધ!

દૂધના એક પણ ટીપા વગર વનસ્પતિ તેલ અને કેમિકલ્સના મિશ્રણથી બનતા ‘એનાલોગ પનીર’ના વધતા દૂષણ સામે ફૂડ સેફ્ટી વિભાગે લીધા આકરા પગલાં

બેંગલુરુ:  ઉત્તર પ્રદેશ બાદ હવે કર્ણાટક સરકારે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ખુલ્લા ચેડાં રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત નિર્ણય લીધો છે. કર્ણાટકના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) વિભાગે રાજ્યભરમાં 'એનાલોગ' એટલે કે નોન-ડેરી પનીરના ઉત્પાદન, પેકેજિંગ, સ્ટોરેજ, સપ્લાય અને વેચાણ પર તત્કાલ અસરથી ૧ વર્ષ માટે સંપૂર્ણ બાન લાદી દીધો છે. વિભાગના કમિશનર શ્રીનિવાસ કે. દ્વારા જાહેર કરવામાં આવેલા એક વિશેષ નોટિફિકેશન મુજબ, હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને અસલી પનીરના નામે પીરસાતા આ બનાવટી પદાર્થથી જાહેર આરોગ્ય પર ભારે જોખમ ઊભું થઈ રહ્યું હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ 'એનાલોગ પનીર' બનાવવાની અત્યંત ખતરનાક અને ભ્રામક પદ્ધતિ છે. સામાન્ય રીતે અસલી પનીર માત્ર શુદ્ધ દૂધ અને દૂધની કુદરતી ચરબીમાંથી જ બને છે, જે ખાદ્ય સુરક્ષા કાયદા ૨૦૧૧ હેઠળ પ્રમાણિત છે. પરંતુ વેપારીઓ દ્વારા આર્થિક ફાયદો ઉઠાવવા માટે દૂધનો એક પણ ટીપો વાપર્યા વગર સસ્તા વનસ્પતિ તેલ, પામ ઓઈલ, પ્રોસેસ્ડ ફેટ અને કેમિકલ્સના મિશ્રણથી આ એનાલોગ પનીર તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ્સ અને ધાબાઓ પર ગ્રાહકોને જાણ કર્યા વગર જ તેને અસલી પનીર તરીકે પીરસીને આરોગ્ય સાથે મોટો ખેલ ખેલવામાં આવતો હતો.

રાજ્યભરમાંથી લેવાયેલા પનીરના વિવિધ સેમ્પલોમાં આ પ્રકારની ભેળસેળ અને બનાવટી સામગ્રી સામે આવ્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. જોકે, ફૂડ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ માત્ર નકલી/એનાલોગ પનીર પર જ લાગુ થશે; ફ્રોઝન ડિઝર્ટ, પ્રોસેસ્ડ ચીઝ કે મિશ્ર ચરબીવાળા સ્પ્રેડ જેવા અન્ય ખાદ્ય પદાર્થો કે જેના નિયમો પહેલાથી નિર્ધારિત છે, તેમને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના તમામ ખાદ્ય વેપારીઓ, હોટેલો અને કેટરર્સને આકરી ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વાનગીમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(6:40 PM IST)