<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ગેસ સિલિન્ડરનું ટેન્શન ખતમ: દેશમાં રૂ. ૭,૦૦૦ કરોડના ખર્ચે પથરાશે ૧,૮૦૦ કિમી લાંબી LPG ‘સુપર ગ્રીડ’!

હાઈવે પરથી ટેન્કરો ગાયબ થશે અને ઘરો સુધી વગર કોઈ અડચણે સતત પહોંચશે એલપીજી: PNGRB ની મંજૂરી બાદ GAIL શરૂ કરશે ૬ રાજ્યોને જોડતો વિરાટ પ્રોજેક્ટ

નવી દિલ્હી:  દેશભરમાં એલપીજી (LPG) સિલિન્ડરના પુરવઠાને વધુ ઝડપી, સુરક્ષિત અને અવિરત બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક મેગા પ્લાન તૈયાર કર્યો છે. પેટ્રોલિયમ અને કન્ઝ્યુમર રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ આશરે રૂ. ૭,૦૦૦ કરોડના તોતિંગ ખર્ચે ૧,૮૦૦ કિલોમીટર લાંબી નવી LPG પાઇપલાઇન બિછાવવાના ત્રણ મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. સરકારી નવરત્ન કંપની GAIL (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવનારા આ મહાકાય પ્રોજેક્ટથી દેશના ૬ રાજ્યો—તેલંગાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક અને ગોવાને સીધો અને મોટો આર્થિક ફાયદો થશે.

આ માસ્ટરપ્લાન અમલમાં આવતાની સાથે જ દેશનું અધિકૃત કોમન-કેરિયર LPG પાઇપલાઇન નેટવર્ક ૭,૭૦૦ કિલોમીટરથી વધીને સીધું ૯,૫૦૦ કિલોમીટર થઈ જશે, જે સીધો ૨૪% નો જંગી વધારો દર્શાવે છે. નવી લાઈનોમાં ૫૫૬ કિમી લાંબી ચેરલાપલ્લી-નાગપુર પાઇપલાઇન, ૬૧૧ કિમી લાંબી ઝાંસી-સીતારગંજ પાઇપલાઇન અને ૬૩૩ કિમી લાંબી શિકરાપુર-ગોવા-હુબલી પાઇપલાઇનનો સમાવેશ થાય છે. અત્યાર સુધી દરિયાકાંઠે આયાત થતો ગેસ રોડ માર્ગે ટેન્કરો દ્વારા દેશના આંતરિયાળ વિસ્તારોમાં મોકલવામાં આવતો હતો, પરંતુ હવે પાઇપલાઇન નેટવર્કથી માર્ગ પરિવહન પરની નિર્ભરતા સંપૂર્ણપણે ઘટી જશે.

હાઇવે પર દોડતા હજારો એલપીજી ટેન્કરોની સંખ્યા ઘટવાથી માત્ર લોજિસ્ટિક્સ ખર્ચ જ નહીં ઘટે, પરંતુ માર્ગ અકસ્માતોનું જોખમ અને કાર્બન ઉત્સર્જન પણ નોંધપાત્ર રીતે ઘટશે. આ સિવાય, કુદરતી આપત્તિ કે સ્ટ્રાઈક જેવા કટોકટીના સમયમાં પણ પાઇપલાઇનની અંદર જમા રહેલો ગેસ એક કુદરતી 'બફર સ્ટોક' તરીકે કામ કરશે, જેનાથી સપ્લાય ખોરવાઈ જવાની ચિંતા રહેશે નહીં. દરિયાકાંઠાના આયાતી ટર્મિનલ્સ સીધા વપરાશકાર શહેરો સાથે જોડાઈ જવાથી આંતરિયાળ વિસ્તારોમાં રાંધણગેસની સપ્લાય ચેઈન હવે પહેલાં કરતાં વધુ મજબૂત અને બુલેટપ્રૂફ બની જશે.

(7:28 PM IST)