<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સ્ટારલિંકનો નવો દાવ: ઉપગ્રહો સીધા ફોન સાથે જોડાશે! ભારત પાસેથી ફરી મંજૂરી માંગી

મોબાઈલ ટાવર વિના સીધું સેટેલાઈટ કનેક્ટિવિટી આપવા એલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ ભારતીય રેગ્યુલેટર IN-SPACe સમક્ષ ૩૦,૦૦૦ નવા ઉપગ્રહો છોડવા માટે મોકલી અતિ-આધુનિક દરખાસ્ત

નવી દિલ્હી:  ભારતના ટેલિકોમ ક્ષેત્રે ધમાકો કરવા માટે એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની 'સ્ટારલિંક'  એ એક નવો અને અત્યંત ક્રાંતિકારી માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલી કંપનીએ હવે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ  ટેકનોલોજી માટે ભારત સરકારના સ્પેસ રેગ્યુલેટર 'ઈન-સ્પેસ' પાસે નવી મંજૂરી માંગી છે. આ યોજના હેઠળ કંપની પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (LEO) માં આશરે ૩૦,૦૦૦ જેટલા નવા ઉપગ્રહો તૈનાત કરવા માંગે છે, જેનાથી સામાન્ય સ્માર્ટફોન સીધા સેટેલાઈટ સાથે કનેક્ટ થઈ શકશે.

આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે ભવિષ્યમાં યુઝર્સને ઈન્ટરનેટ કે કોલિંગ માટે પરંપરાગત મોબાઈલ ટાવર કે સીમ નેટવર્ક પર નિર્ભર રહેવું નહીં પડે. પૃથ્વીથી ૩૪૦ થી ૬૧૫ કિલોમીટરની ઊંચાઈ પર ફરતા આ ઉપગ્રહો સીધા તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ જશે. સ્પેસએક્સ  ના જનરલ-૨ નેટવર્ક હેઠળ કુલ ૪૨,૦૦૦ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો વૈશ્વિક પ્લાન છે, જે અંતર્ગત ભારત માટે આ નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ ટેકનોલોજી ભારતીય બજારમાં રિલાયન્સ જીઓ (Reliance Jio) અને એમેઝોન (Amazon LEO) જેવી કંપનીઓને સીધી અને આકરી ટક્કર આપશે.

સ્ટારલિંક દ્વારા ભારતમાં ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ કનેક્ટિવિટી માટે કરાયેલી આ નવી અરજીના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એલોન મસ્કે પણ આ બાબતને રી-પોસ્ટ કરીને સમર્થન આપ્યું છે. જોકે, ભારતમાં આ સેવાઓ ક્યારથી શરૂ થશે અને તેના પ્લાન્સ તથા કિંમત શું હશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ ભારતીય સુરક્ષા એજન્સીઓ અને સંચાર મંત્રાલય દ્વારા આ નવી દરખાસ્તની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.

(7:34 PM IST)