News of Saturday, 22nd August 2026
અમેરિકામાં મેડિકલ ફુગાવો બેકાબૂ: 'હેલ્થકેર બોમ્બ'થી કર્મચારીઓનું બજેટ ખોરવાયું : ખિસ્સામાંથી ₹૫.૦૭ લાખનો જંગી ખર્ચ!
સારવાર, વીમો અને દવાઓ મોંઘી થતાં સામાન્ય યુએસ નાગરિકો માટે હેલ્થકેર પરવડવું અશક્ય: ૨૦૨૭ માં કંપનીઓનો મેડિકલ ખર્ચ ૯.૫% વધશે તો કર્મચારીઓ પર બોજ બમણો થશે

વોશિંગ્ટન: અમેરિકામાં સતત વધી રહેલી મોંઘવારી હવે માત્ર કરિયાણા કે બળતણ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેણે દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, યુએસ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પર હેલ્થ ઈન્સ્યોરન્સ અને તબીબી સારવારનો નાણાકીય બોજ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૬ માં એક સરેરાશ અમેરિકન કર્મચારીને પોતાની સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે ખિસ્સામાંથી આશરે $૫,૨૯૭ (રૂ. ૫.૦૭ લાખ) ખર્ચવા પડશે. નિષ્ણાતોના મતે, ૨૦૨૭ માં કંપનીઓનો આરોગ્ય ખર્ચ વધુ ૯.૫% વધીને પ્રતિ કર્મચારી $૧૯,૦૦૦ ને પાર પહોંચી જશે.
રિપોર્ટ અનુસાર, આ વધારો સતત ચોથા વર્ષે બે આંકડાની નજીક રહેવાની ધારણા છે, જે દર્શાવે છે કે અમેરિકામાં મેડિકલ ફુગાવો એક વિકરાળ સમસ્યા બની ચૂક્યો છે. ૨૦૨૬ માં નોકરીદાતા કંપનીઓનો ખર્ચ ૮.૮% વધીને પ્રતિ કર્મચારી $૧૪,૪૩૨ થવાનો અંદાજ છે. બીજી તરફ, કર્મચારીઓના પગારમાંથી વીમા પ્રીમિયમ પેટે $૩,૧૩૦ કપાઈ જશે અને $૨,૧૬૭ ખિસ્સામાંથી ડાયરેક્ટ મેડિકલ બિલ તરીકે ચૂકવવા પડશે. આમ, તબીબી ખર્ચાઓમાં વાર્ષિક ૭.૯% નો તોતિંગ વધારો થતાં સામાન્ય પગારદાર વર્ગ માટે પોતાના પરિવારની સારવાર કરાવવી અત્યંત મુશ્કેલ બની રહી છે.
આરોગ્ય સંભાળ ખર્ચમાં થઈ રહેલા આ આકાશી વધારા પાછળ મુખ્યત્વે ગંભીર બીમારીઓ અને મોંઘી દવાઓ જવાબદાર છે. ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્થૂળતા (Obesity) ના વધતા કેસોના કારણે વીમા દાવાઓની સંખ્યા વધી છે. આ સિવાય, વજન ઘટાડવા અને ડાયાબિટીસ માટે વપરાતી GLP-1 જેવી સ્પેશિયાલિટી દવાઓની ભારે માંગે દવાનો ખર્ચ વધાર્યો છે. સાથે જ, હોસ્પિટલોમાં AI ટેકનોલોજીના ઉપયોગથી બિલિંગ પ્રોસેસ વધુ વિગતવાર બનતાં દર દર્દીદીઠ હોસ્પિટલ બિલની રકમમાં મોટો ઉછાળો આવ્યો છે, જેણે વીમા કંપનીઓ અને ગ્રાહકો બંનેની કમર ભાંગી નાખી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
