<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

અમેરિકન વિદેશ મંત્રાલયના નિર્ણય સામે ન્યૂયોર્ક ફેડરલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ટ્રમ્પ તંત્ર દ્વારા ૭૫ દેશોના નાગરિકો પર લાદવામાં આવેલો ઈમિગ્રન્ટ વિઝા બૅન અદાલતે રદબદલ ઠેરવ્યો

​વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પોતાના કાયદાકીય અધિકારોનું ઉલ્લંઘન કરીને માત્ર રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવપૂર્ણ નીતિ ઘડી હોવાનું જજ જીનેટ વર્ગાસનું સ્પષ્ટ તારણ; કેસ-બાય-કેસ ધોરણે જ અરજીઓની ચકાસણી કરવા સ્ટેટ ડિપાર્ટમેન્ટને આદેશ આપતા વિશ્વભરના હજારો પરિવારોમાં ખુશીનો મોજું

​વોશિંગ્ટન / ન્યૂયોર્ક: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈમિગ્રેશન વિરોધી આકરા વલણ અને કડક નિર્ણયોને અમેરિકી અદાલત તરફથી મોટો આંચકો લાગ્યો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિશ્વના ૭૫ દેશોના નાગરિકોને ઈમિગ્રન્ટ વિઝા (ગ્રીન કાર્ડ) આપવા પર મૂકવામાં આવેલા વ્યાપક પ્રતિબંધને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગેરકાયદેસર ઠેરવીને સંપૂર્ણપણે રદ કરી દીધો છે.

​મનહટનની યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જીનેટ વર્ગાસે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા લાદવામાં આવેલી આ નીતિ "સ્પષ્ટપણે ગેરકાયદેસર" છે. અદાલતે નોંધ્યું કે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પોતાના કાયદાકીય અધિકારોની મર્યાદા બહાર જઈને આ નિર્ણય લીધો હતો. વર્ષ ૧૯૬૫ના ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિને માત્ર તેની રાષ્ટ્રીયતા કે મૂળ દેશના આધારે વિઝા આપવાનો અસ્વીકાર કરવો એ કાયદાનું સીધું ઉલ્લંઘન છે.

​ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ૭૫ દેશોના અરજદારો માટે ઈમિગ્રન્ટ વિઝા આપવાની કામગીરી અચાનક સ્થગિત કરી દીધી હતી. આ નીતિ હેઠળ એશિયા, લેટિન અમેરિકા, બાલ્કન દેશો, મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશોના નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ભારત નજીકના દક્ષિણ એશિયાઈ દેશો જેવા કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત બ્રાઝિલ, ઇજિપ્ત, નાઇજીરિયા અને ઇરાક જેવા ૭૫ દેશોનો સમાવેશ થતો હતો. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે એવો દાવો કર્યો હતો કે આ દેશોના નાગરિકો અમેરિકા આવીને સરકારી કલ્યાણકારી યોજનાઓ પર નિર્ભર થઈ જવાનું (પબ્લિક ચાર્જ) ભારે જોખમ ધરાવે છે.

​જોકે, માનવાધિકાર સંસ્થાઓ 'કેથોલિક લીગલ ઈમિગ્રેશન નેટવર્ક' અને 'આફ્રિકન કોમ્યુનિટીઝ ટુગેધર' સહિત વિઝા અરજદારો દ્વારા આ નિર્ણય સામે અદાલતમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. અરજદારોએ દલીલ કરી હતી કે આ નીતિ સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ છે અને પરિવારના સભ્યોને એકબીજાથી અલગ કરે છે.

​અદાલતે તમામ દલીલો સાંભળ્યા બાદ વિદેશ મંત્રાલયના આ સામૂહિક પ્રતિબંધના નિર્ણયને રદ કર્યો છે અને કન્સ્યુલર અફસરોને દરેક અરજદારની યોગ્યતાની તપાસ વ્યક્તિગત ધોરણે (કેસ-બાય-કેસ) કાયદાકીય રીતે કરવાની સૂચના આપી છે. આ ચુકાદાથી અમેરિકામાં વસતા હજારો પરિવારો જેઓ પોતાના સ્વજનોને અમેરિકા બોલાવવા માંગતા હતા તેમને ભારે રાહત મળી છે.

(8:31 PM IST)