News of Saturday, 22nd August 2026
બાળકોની ડિજિટલ સુરક્ષા અને ગોપનીયતાના ભંગના વિવાદમાં સોશિયલ મીડિયા જાયન્ટ ટિકટોક અને અમેરિકી ન્યાય વિભાગ વચ્ચે મોટો કરાર: અમેરિકામાં કાનૂની વિવાદનો આખરે અંત લાવવા ટિકટોક ચૂકવશે ૪૦૦ મિલિયન ડોલરનો જંગી દંડ
૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા માતા-પિતાની મંજૂરી વગર એકત્ર કરવા અને ખાતા ડિલીટ ન કરવા બદલ થયેલા ચર્ચિત કેસમાં ૩૦૦ મિલિયન ડોલર તાત્કાલિક અને ૧૦૦ મિલિયન ડોલર બે તબક્કામાં ચૂકવવા ટિકટોક અને તેની પેરેન્ટ કંપની બાઇટડાન્સ સહમતી દર્શાવી

વોશિંગ્ટન / ન્યૂયોર્ક:વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા ધરાવતી શોર્ટ-વિડિયો એપ 'ટિકટોક' (TikTok) અને તેની ચાઇનીઝ પેરેન્ટ કંપની 'બાઇટડાન્સ' (ByteDance) એ અમેરિકામાં સગીરો અને બાળકોની ઓનલાઇન પ્રાઇવસી (ગોપનીયતા) કાયદાના ઉલ્લંઘન બદલ નોંધાયેલા ગંભીર કેસનો કાનૂની ઉકેલ લાવવા માટે ૪૦૦ મિલિયન ડોલર (અંદાજે ₹૩,૩૫૦ કરોડથી વધુ) ની રકમ ચૂકવવા માટે સંમતિ દર્શાવી છે. અમેરિકાના ન્યાય વિભાગ (US Department of Justice) દ્વારા સત્તાવાર નિવેદનમાં આ મોટા સેટલમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. 'ચિલ્ડ્રન્સ ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ' (COPPA) હેઠળ સરકારી સંસ્થા દ્વારા વસૂલવામાં આવેલી આ સૌથી મોટી રકમોમાંથી એક માનવામાં આવે છે.
ન્યાય વિભાગ અને ફેડરલ ટ્રેડ કમિશન (FTC) દ્વારા વર્ષ ૨૦૨૪માં ટિકટોક સામે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર, ટિકટોકે ૧૩ વર્ષથી નાની વયના લાખો બાળકોને માતા-પિતાની જાણ કે સંમતિ વગર સામાન્ય એકાઉન્ટ બનાવવાની છૂટ આપી હતી. આ ઉપરાંત, કંપનીએ બાળકોની વ્યક્તિગત માહિતી એકત્ર કરીને તેનું માર્કેટિંગ અને ડેટા એનાલિટિક્સ માટે ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, જ્યારે બાળકના માતા-પિતાએ એકાઉન્ટ કાઢી નાખવા (ડિલીટ કરવા) વિનંતી કરી અથવા કંપનીને ખુદ ખબર હતી કે એકાઉન્ટ હોલ્ડર ૧૩ વર્ષથી નાનો છે, છતાં પણ ટિકટોકે તે એકાઉન્ટ્સ ડિલીટ કર્યા નહોતા.
કરારની શરતો મુજબ, ટિકટોક હાલમાં ૩૦૦ મિલિયન ડોલરની રકમ તુરંત ચૂકવશે. જ્યારે બાકીના ૧૦૦ મિલિયન ડોલર તેની પૂર્વવર્તી એપ 'મ્યુઝિકલી' (Musical.ly) સામે અગાઉથી ચાલી રહેલા જૂના સંમતિ હુકમને કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા બાદ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાઇટડાન્સે ૨૦૧૭માં મ્યુઝિકલી એપ ખરીદીને બાદમાં ટિકટોકમાં મર્જ કરી દીધી હતી.
અમેરિકાના એસોસિએટ એટોર્ની જનરલ સ્ટેનલી ઇ. વુડવર્ડ જુનિયરે આ સમજૂતી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "આ કરાર અમેરિકી બાળકો અને માતા-પિતાની એક મોટી વિજય સમાન છે. ન્યાય વિભાગની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે બાળકો ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત રહે અને જે કંપનીઓને તેમના ડેટાની જવાબદારી સોંપવામાં આવી છે તે કાયદાકીય મર્યાદાઓનું પાલન કરે."
મુકદ્દમો દાખલ થયા બાદના સમયગાળા દરમિયાન ટિકટોકે પોતાની સિસ્ટમમાં અને અમેરિકી સંચાલનમાં મોટા ફેરફારો કર્યા છે. કંપનીએ ઉંમરની ચકાસણી કરવા માટે નવી સિસ્ટમ, સ્પેશિયલ 'કિડ્સ મોડ' અને વય-મર્યાદાના કડક નિયમો લાગુ કર્યા છે. ઉપરાંત, રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ટિકટોકે અમેરિકામાં ઓરેકલ, સિલ્વર લેક અને એમજીએક્સ જેવા રોકાણકારો સાથે મળીને અલાયદું યુએસ જોઈન્ટ વેન્ચર પણ તૈયાર કર્યું છે.
હાલમાં વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ગોપનીયતા પર પડતી વિપરીત અસરો અંગે ભારે કડકાઈ દાખવવામાં આવી રહી છે. ટિકટોક ઉપરાંત મેટા (ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની) પણ કેલિફોર્નિયાની કોર્ટમાં COPPA કાયદાના ભંગ બદલ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે, જ્યારે યુરોપિયન યુનિયન અને બ્રિટન જેવા દેશોએ પણ નાના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક નિયંત્રણો લાદવાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
