<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

પાકિસ્તાનમાં પણ મોદી મોડેલની ધાકઃ મંત્રી એહસાન ઇકબાલે ભારતની પ્રશંસા કરીને પાડી દીધાં પાટિયાં

દક્ષિણ એશિયામાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનો સ્વીકાર, સાથે જ સિંધુ જળ સંધિ અને પાણીના હથિયાર બનવા પર વ્યક્ત કરી ભારે ચિંતા


ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજનીતિમાં ભારત વિરોધી સુર વચ્ચે અચાનક એક એવો મોટો ધડાકો થયો છે, જેને સાંભળીને ખુદ વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ ચોંકી ઉઠ્યા છે. પાકિસ્તાનના યોજના મંત્રી એહસાન ઇકબાલે ખુલ્લેઆમ ભારતની રાજદ્વારી અને પ્રાદેશિક ભૂમિકાના વખાણ કરતાં દક્ષિણ એશિયામાં ભારતને કેન્દ્રસ્થાન ગણાવ્યું છે.
સુત્રમાંથી જાણવા મળતી માહિતી અનુસાર એશિયા સોસાયટીના એક ખાસ કાર્યક્રમમાં બોલતા પાકિસ્તાનના મંત્રી એહસાન ઇકબાલે ભારતની પ્રાદેશિક સ્થિતિ અને મહત્વ પર ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૌગોલિક રીતે ભારત દક્ષિણ એશિયાના બરાબર કેન્દ્રમાં સ્થિત છે અને તેની આસપાસ અન્ય તમામ પડોશી દેશો આવેલા છે, જેના કારણે પ્રાદેશિક વિકાસ અને અસ્તિત્વ માટે ભારતની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની જાય છે. પાકિસ્તાનના મંત્રીના મોઢેથી ભારતની આ પ્રશંસા ઇસ્લામાબાદના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે અને તેને પાકિસ્તાની સરકારના બદલાતા વલણ તરીકે જોવામાં આવી રહી છે.
જોકે, આ પ્રશંસાની સાથે જ મંત્રી ઇકબાલે ભારત સામે ગંભીર ડર અને આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપતા  કહ્યું કે ભારત હવે સિંધુ જળ સંધિ જેવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કરારોને એકપક્ષીય રીતે સ્થગિત કરીને પાણીને એક શસ્ત્ર તરીકે વાપરી શકે છે. પાકિસ્તાન જેવા કૃષિ પ્રધાન દેશ માટે આ સૌથી મોટો ખતરો છે, કારણ કે ભારત જ્યારે ઈચ્છે ત્યારે પાણી રોકી શકે છે અને જરૂર ન હોય ત્યારે છોડી શકે છે. આધુનિક ઇતિહાસમાં પાણીને હથિયાર બનાવવાની આ પહેલી મોટી રણનીતિ હોવાનું સ્વીકારીને તેમણે પાકિસ્તાનને ભારત સામે અત્યંત સાવધ રહેવાની કડક તાકીદ કરી છે.
આ નિવેદન પાછળ તાજેતરના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને લશ્કરી ઘર્ષણની મોટી પૃષ્ઠભૂમિ રહેલી છે. અગાઉ પીએમ શાહબાઝ શરીફ પણ સ્પષ્ટ ચેતવણી આપી ચૂક્યા છે કે પાણીનું દરેક ટીપું પાકિસ્તાન માટે લાલ રેખા સમાન છે અને જો પાણી રોકવામાં આવશે તો પાકિસ્તાન તેનો સખત જવાબ આપશે. આ ગરમાગરમ માહોલ વચ્ચે એહસાન ઇકબાલે એમ પણ જણાવ્યું છે કે પાકિસ્તાન હાલમાં આ જોખમને પહોંચી વળવા માટે નવા બફર બંધો બનાવી રહ્યું છે અને તમામ રાજદ્વારી માર્ગોનો ઉપયોગ કરીને ભારતની આ નીતિનો સામનો કરવા મથામણ કરી રહ્યું છે.
પાકિસ્તાનના મંત્રી દ્વારા એક તરફ ભારતની પ્રાદેશિક મહત્તા સ્વીકારવી અને બીજી તરફ પાણીના મુદ્દે ભારે ભય વ્યક્ત કરવો તે સાબિત કરે છે કે પાકિસ્તાનની સરકાર આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની વધતી તાકાત અને રણનીતિક દબદબાથી કેટલી હદે ચિંતિત છે.

(1:07 AM IST)