<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનો ટ્રમ્પ પર તીખો પ્રહાર: "ઇટાલી કોઈની ગુલામ નથી"

વોશિંગ્ટન અને રોમ વચ્ચે વણસેલા સંબંધો: વિસ્ફોટક ઇન્ટરવ્યુમાં મેલોનીએ ટ્રમ્પના અહંકાર અને અપમાનજનક વલણ સામે આકરા પ્રહારો કર્યા : સ્પષ્ટ કર્યું કે દેશનું આત્મસન્માન તેમના માટે સર્વોપરી છે

રોમ:  ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો રાજકીય તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભૂતકાળમાં મજબૂત સાથી ગણાતા આ બે નેતાઓ વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા છે. તાજેતરમાં ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ સાથે વાતચીત કરતી વખતે મેલોનીએ સ્વીકાર્યું હતું કે, ઇમિગ્રેશન અને રાષ્ટ્રીય નીતિઓ પર સમાન વિચારો ધરાવતા હોવા છતાં, ટ્રમ્પ સાથે કામ કરવું ધારવા કરતાં ઘણું મુશ્કેલ અને અલગ સાબિત થયું છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં મોટો તિરાડ પડી ચુકી છે.

બંને દેશો વચ્ચેનો વિવાદ G7 સમિટ દરમિયાન વધુ વણસ્યો હતો, જ્યારે ટ્રમ્પે એક ઇટાલિયન ચેનલ સાથેની મુલાકાતમાં એવો દાવો કર્યો હતો કે મેલોનીએ તેમની સાથે ફોટો પડાવવા માટે "વિનંતી" કરી હતી. મેલોનીએ આ દાવાને તદ્દન ખોટો ગણાવતા કડક શબ્દોમાં વળતો જવાબ આપ્યો હતો કે, ઇટાલી કે તેઓ પોતે ક્યારેય કોઈની સામે વિનંતી કરતા નથી. આ ઉપરાંત, ટ્રમ્પે અંકારામાં નાટો સમિટ પહેલા એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને "રેસ્ટ્રેનિંગ ઓર્ડર" અંગેની વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી, જે ઇટાલિયન વિદેશ નીતિ અને રાજદ્વારી ગૌરવનું સીધું સરેઆમ અપમાન હતું.

પોતાના આત્મસન્માન અને દેશના સાર્વભૌમત્વ પર ભાર મુકતા મેલોનીએ સ્પષ્ટ કર્યું હતું કે ઇટાલી પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લે છે. તેમણે ટ્રમ્પને સીધો સંદેશ આપતા જણાવ્યું હતું કે, "ઇટાલી કોઈની દાસ કે ગુલામ નથી." તેમણે ભારપૂર્વક કહ્યું કે અંગત સંબંધોના આધારે દેશની વ્યૂહાત્મક નીતિઓ નક્કી થતી નથી, અને તેઓ ઇટાલીને યુરોપિયન અને વૈશ્વિક રાજકારણમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રમ્પ સાથે આગામી સમયમાં કોઈ વાતચીત કે મિત્રતાની શક્યતાઓ અંગે પૂછવામાં આવતાં તેમણે અત્યંત સાવધાનીપૂર્વક "જોઈશું" કહીને વાત ટાળી દીધી હતી.

(10:31 PM IST)