<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રાજકોટ: વોર્ડ નંબર ૧૭ના ભાજપ કાર્યાલયમાં પક્ષના નેતાઓનાં બેનર ફાડયાં નથી, દિવાલ પરથી ઉતારી અન્ય સ્થળે મુકાયાં હોવાનો એક ભાજપ અગ્રણીનો દાવો: સમગ્ર મામલે શહેર ભાજપની સત્તાવાર વિગતોની રાહ: સહકાર મેઇન રોડ સ્થિત કાર્યાલયનાં બેનર અંગે ચાલેલી ચર્ચામાં નવો વળાંક

રાજકોટ: મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૭ના ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના નેતાઓનાં બેનર ફાડી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા અને વાયરલ મેસેજ વચ્ચે વોર્ડના એક અગ્રણીએ સ્પષ્ટતા કરી છે કે બેનર ફાડવાની કોઈ ઘટના બની નથી. બેનરને દિવાલ પરથી ઉતારીને અન્ય સ્થળે રાખવામાં આવ્યું હતું. હિતશત્રુઓ દ્વારા શબ્દોની રમત રમીને ઇરાદાપૂર્વક ગેરસમજ ફેલાવવામાં આવી રહી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

 

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૭ના સહકાર મેઇન રોડ ઉપર આવેલા ભાજપ કાર્યાલયનાં બેનર અંગે શહેરના રાજકીય વર્તુળોમાં શરૂ થયેલી ચર્ચાએ નવો વળાંક લીધો છે. કાર્યાલયમાં લગાવવામાં આવેલાં નવા કોર્પોરેટરો તથા પક્ષના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓનાં બેનર ફાડી નાખવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી.

 

દરમિયાન વોર્ડના એક અગ્રણી પાસેથી મળેલી માહિતી મુજબ કાર્યાલયમાં બેનર ફાડવાની કોઈ ઘટના બની નથી. દિવાલ ઉપર લગાવવામાં આવેલાં બેનરને માત્ર ઉતારીને કાર્યાલયમાં જ અન્ય સ્થળે મૂકવામાં આવ્યું હતું. તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વાત સાચી નથી, તેમ તેમણે જણાવ્યું હતું.

 

અગ્રણીના જણાવ્યા પ્રમાણે, બેનર દિવાલ પરથી ઉતારવાની બાબતને કેટલાક હિતશત્રુઓ દ્વારા અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે. “ઉતારવામાં આવ્યું” અને “ફાડી નાખવામાં આવ્યું” જેવા શબ્દો વચ્ચેની રમત રમીને સમગ્ર ઘટનાને વિવાદનું સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. આ રીતે ઇરાદાપૂર્વક ગેરસમજ ફેલાવીને પક્ષમાં આંતરિક વિખવાદ હોવાની છાપ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનાં બેનરને નુકસાન પહોંચાડાયું હોવાની જે ચર્ચા થઈ રહી છે, તેને પણ વોર્ડના અગ્રણી દ્વારા નકારવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર કોઈ નેતાના અપમાનનો આશય નહોતો અને બેનરને માત્ર ભીંત પરથી ઉતરી લેવામાં આવ્યું હતું. 

 

સમગ્ર મામલે શહેર ભાજપ કે વોર્ડના જવાબદાર પદાધિકારીઓ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવ્યા બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યાં સુધી અપ્રમાણિત ચર્ચાઓને બદલે અધિકૃત વિગતોની રાહ જોવી જરૂરી હોવાનું પક્ષના સ્થાનિક વર્તુળોમાં જણાવાઈ રહ્યું છે.

(10:47 PM IST)