<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

પોલીસ જીપ સાથે સ્પીડિંગ કારની ધમાકેદાર ટક્કર: રૂ. ૧૬ કરોડનું સ્મગલિંગ કરાયેલું ૧૦ કિલો સોનું પકડાયું; નેપાળ-દિલ્હી નેટવર્કનો થયો પર્દાફાશ

આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર અકસ્માત બાદ ભાગવા જતાં બે તસ્કરો પકડાયા; કસ્ટમ્સ અને જીએસટી વિભાગે ૧૦ સોનાની ઈંટો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી.

કન્નૌજ (ઉત્તર પ્રદેશ) : આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે. કાવડ યાત્રાની ડ્યુટી પતાવીને પરત ફરી રહેલી પોલીસની જીપ સાથે એક પૂરપાટ ઝડપે આવતી કાર અથડાતાં આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા બે યુવકોને ઝડપી પાડી કારની તલાશી લેતાં તેમાંથી ૧૦ કિલો ૨૬ ગ્રામ વજન ધરાવતી સોનાની ૧૦ કિંમતી ઈંટો મળી આવી હતી. ભારતીય બજારમાં આ જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે રૂ. ૧૬.૧૮ કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે.

 

સકારવા પોલીસ સ્ટેશનના અધિકારી ભાગમલ સિંહે જણાવ્યા અનુસાર, ૧૭૧ કિલોમીટર પોઈન્ટ નજીક શંકાસ્પદ કારે પોલીસ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પોલીસ વાહનને નુકસાન થયું હતું પરંતુ સદભાગ્યે કોઈ અધિકારીને ગંભીર ઈજા પહોંચી નહોતી. કારમાં સવાર મહારાજગંજના સંદીપ જયસ્વાલ અને નેપાળના પાલપા જિલ્લાના સરોજ પંત નામના બે શંકાસ્પદ યુવકોની હિલચાલ જોતાં પોલીસે તુરંત તેમની અટકાયત કરી તાલગ્રામ પોલીસ સ્ટેશનની મદદથી કારની તપાસ હાથ ધરી હતી, જેમાંથી આ જંગી સોનાનો જથ્થો મળી આવ્યો હતો.

 

તપાસ એજન્સીઓના પ્રાથમિક નિષ્કર્ષ મુજબ, આ સોનું નેપાળ સરહદેથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું અને તેને દિલ્હી ખાતે પહોંચાડવાનું હતું. આ કૌભાંડમાં જીએસટી, કસ્ટમ્સ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. આરોપીઓની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે, ત્રણ દિવસ અગાઉ પણ નેપાળથી દિલ્હીમાં સોનાનું આવું જ એક મોટું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ જપ્ત કરાયેલું કરોડોનું સોનું અને બંને મુખ્ય આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે લખનૌ રવાના થયા છે.

(10:58 PM IST)