<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ડાલ સરોવરમાં શિકારાની સવારીથી લઈને ઝાંસ્કર-સિંધુ નદીમાં રાફ્ટિંગનો રોમાંચ: યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર કાશ્મીર-લદ્દાખની મુલાકાતે; 'કાશ્મીરમાં શાંતિ'નો આપ્યો વૈશ્વિક સંદેશ

અમેરિકી રાજદૂતની કશ્મીર અને લદ્દાખની ત્રણ દિવસીય ખાસ મુલાકાત; મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે દ્વિપક્ષીય સંબંધો અને પ્રવાસન ક્ષેત્રે ચર્ચા કરી.

શ્રીનગર : ભારતમાં યુએસ એમ્બેસેડર (અમેરિકી રાજદૂત) સર્જિયો ગોરની જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની ત્રણ દિવસીય ખાસ મુલાકાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ધ્યાન ખેંચ્યું છે. પોતાની અનોખી અને બિંદાસ શૈલી માટે જાણીતા સેર્ગિયો ગોરે આ પ્રવાસ દરમિયાન શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ ડાલ સરોવરમાં શિકારા સવારીનો આનંદ માણ્યો હતો તેમજ લદ્દાખમાં ઝાંસ્કાર અને સિંધુ નદીના સંગમ પર સાહસિક રિવર રાફ્ટિંગ કરીને કાશ્મીરની મનોહર ખીણોની સુંદરતાને માણી હતી.

 

અમેરિકી એમ્બેસેડરે તેમની આ મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ ખાસ બેઠક યોજી હતી, જેમાં ક્ષેત્રીય વિકાસ, પ્રવાસન અને દ્વિપક્ષીય સંબંધો પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ગોરે સ્થાનિક કારીગરો સાથે રૂબરૂ મુલાકાત કરીને કાશ્મીરી હસ્તકળા અને સંસ્કૃતિની સરાહના કરી હતી. લદ્દાખમાં સોગતીથી શરૂ કરીને કેટલાય કિલોમીટર સુધી રિવર રાફ્ટિંગ કરતી વખતે તેમણે લદ્દાખમાં એડવેન્ચર સ્પોર્ટ્સની અપાર સંભાવનાઓ હોવાનું વ્યક્ત કર્યું હતું.

 

યુએસ એમ્બેસેડરનો આ પ્રવાસ માત્ર પ્રવાસન પૂરતો સીમિત ન રહેતાં એક મોટો રાજદ્વારી સંદેશ આપી ગયો છે. કાશ્મીરની ખીણોમાં તેમની બેફિકર હાજરી અને સુંદરતાના વખાણે વિશ્વભરમાં એવો સકારાત્મક સંદેશ આપ્યો છે કે કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને સુરક્ષિત છે. તેમના શિકારા રાફ્ટિંગ અને સ્થાનિક લોકો સાથેના સંવાદના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

(11:38 PM IST)