મહાસત્તા અમેરિકાને ઈરાનનો ખુલ્લો પડકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાકી ટેન્કરોને આપી લીલી ઝંડી!
વોશિંગ્ટનની લાલ આંખ વચ્ચે બગદાદની વિનંતીનો ઈરાને કર્યો સ્વીકાર, મધ્ય પૂર્વમાં સત્તાના સમીકરણોમાં મોટો હડકંપ

તેહરાન: દુનિયાના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ એવા હોર્મુઝ સ્ટ્રેટ પર અસલી બોસ કોણ? અમેરિકા અને ઈરાન વચ્ચેના ગરમાયેલા જંગ વચ્ચે તેહરાને ઈરાકી તેલ ટેન્કરોને પસાર થવાનો માર્ગ મોકળો કરીને વૈશ્વિક ભૌગોલિક રાજનીતિમાં નવો ભૂકંપ સર્જી દીધો છે.
લાંબા સમયથી ચાલી રહેલી લશ્કરી ખેંચતાણ અને અમેરિકાની આકરી ચેતવણીઓને અવગણીને ઈરાને આખરે પોતાનો પાવર બતાવ્યો છે. ઈરાની રાજ્ય મીડિયા દ્વારા કરવામાં આવેલા ધડાકા મુજબ, બગદાદની વારંવારની અપીલ બાદ તેહરાને પોતાના નિયંત્રણ હેઠળના હોર્મુઝ સ્ટ્રેટમાંથી અનેક ઈરાકી તેલ ટેન્કરોને રસ્તો આપ્યો છે. છેલ્લા છ મહિનામાં આ જળમાર્ગમાં અમેરિકન ગતિવિધિઓ અને અસુરક્ષા ચરમસીમાએ પહોંચી હોવા છતાં, ઈરાને અમેરિકન દબાણને ફગાવી દઈને ઈરાક માટે પોતાની શરતો પર દરવાજા ખોલી નાખ્યા છે.
આ ચોંકાવનારા નિર્ણય પાછળ મોટા રાજદ્વારી દાવપેચ અને ગુપ્ત વાટાઘાટો રમાઈ છે. ઈરાની સંસદના સ્પીકર અને ટોચના વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફની તાજેતરની ઈરાક મુલાકાત દરમિયાન પડદા પાછળ આ મોટી ડીલ ફિક્સ થઈ હોવાની પ્રબળ ચર્ચા છે. ઈરાક માટે પોતાની ક્રૂડ ઓઈલની નિકાસ કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટ જીવાદોરી સમાન છે અને તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સામુદ્રધુની પર અમેરિકાના 'સંપૂર્ણ નિયંત્રણ'નો દાવો કરી રહ્યા છે, જે દાવાની હવા કાઢીને ઈરાને ટ્રાન્ઝિટ ફી ઉઘરાવીને પોતાનો સિક્કો જમાવ્યો છે.
આ આક્રમક પગલાંથી આંતરરાષ્ટ્રીય તેલ બજાર અને પશ્ચિમ એશિયામાં રાતોરાત મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી ઘર્ષણનો ખતરો અનેકગણો વધી ગયો છે, જેનાથી ગ્લોબલ એનર્જી સપ્લાય ચેન પર મોટી તલવાર લટકી રહી છે. બીજી તરફ, આ જળમાર્ગમાં કાયમી વિકલ્પ ઉભો કરવા માટે ઈરાન અને ઓમાન વચ્ચે પણ એક નવા રૂટને લઈને ગંભીર વાટાઘાટો તેજ બની છે, જે ભવિષ્યમાં ખાડીના દેશોના વેપાર તંત્રને મૂળમાંથી બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
