News of Sunday, 23rd August 2026
જયપુરમાં CJP ટીમ પર થયેલા ભયાનક હુમલા અંગે આશુતોષ રંકાનો વિસ્ફોટક આરોપ: 'હુમલાખોરો રાત્રે ભાજપ ધારાસભ્ય કૈલાશ વર્મા સાથે બેઠા હતા'
શાળાના સમારકામ અને શિક્ષણ સુધારા માટે પહોંચેલી ટીમ પર સુનિયોજિત પથ્થરમારો કરવાનો દાવો; કાયદો-વ્યવસ્થા અને પોલીસની ભૂમિકા સામે આશુતોષ રંકાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

જયપુર : રાજસ્થાનની રાજધાની જયપુરમાં સરકારી શાળાનું નિરીક્ષણ કરવા ગયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ની ટીમ પર થયેલા હિંસક હુમલા બાદ રાજકારણ ગરમાયું છે. CJP ના મુખ્ય પ્રવક્તા આશુતોષ રંકાએ આ ઘટના અંગે અત્યંત ગંભીર અને ચોંકાવનારા આરોપો લગાવતા જણાવ્યું છે કે, CJP ની ટીમ પર થયેલો હુમલો એ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી પરંતુ બહારના ગુંડાઓને બોલાવીને કરાયેલું એક પૂર્વયોજિત અને સુનિયોજિત ષડયંત્ર હતું.
સોશિયલ મીડિયા પર પુરાવા જાહેર: 'હુમલાખોરો ધારાસભ્યના સંપર્કમાં હતા'
આશુતોષ રંકાએ સોશિયલ મીડિયા પર હુમલા દરમિયાન હિંસા આચરનારા તત્વોના ફોટોગ્રાફ્સ અને વિડીયો સાર્વજનિક કર્યા છે. તેમણે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, ફોટોમાં સ્પષ્ટપણે દેખાતા હુમલાખોરો ઘટનાની આગલી રાત્રે જ સ્થાનિક ભાજપ ધારાસભ્ય કૈલાશ વર્મા સાથે બેઠેલા જોવા મળ્યા હતા. રંકાએ આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોરો જે રીતે મોટા પથ્થરો લઈને આવ્યા હતા તે દર્શાવે છે કે તેઓ જાનલેવા હુમલો કરવાના ઈરાદા સાથે જ આવ્યા હતા.
રાજસ્થાન પોલીસની ભૂમિકા શંકાસ્પદ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી
ઘટના સમયે પોલીસની ગેરહાજરી અને નિષ્ક્રિયતા પર પ્રહારો કરતા રંકાએ જણાવ્યું હતું કે, "શુક્રવારે હુમલા સમયે પોલીસ સ્થળ પરથી ગાયબ હતી. વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ મદદ મળી નહોતી. હવે આખો દેશ જોશે કે રાજસ્થાન પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે છે કે સત્તાધારી પક્ષનો બચાવ કરે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, શિક્ષણ મંત્રી મદન દિલાવરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. હવે CJP નો વિરોધ માત્ર શાળાના સમારકામ પૂરતો સીમિત નહીં રહે પરંતુ શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી પહોંચશે.
કેવી રીતે શરૂ થયો સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, જયપુરના રામપુરા-કંવરપુરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાની જર્જરિત સ્થિતિ અને શૈક્ષણિક ખામીઓની તપાસ કરવા માટે શુક્રવારે સવારે CJP ની ટીમ પહોંચી હતી. એ સમયે કેટલાક ગ્રામજનો અને અસામાજિક તત્વોએ 'બહારના લોકો વાતાવરણ બગાડે છે' તેવો આક્ષેપ કરીને વિરોધ શરૂ કર્યો હતો. જોતજોતામાં બોલાચાલી વધતાં મામલો ધક્કામુક્કી, મારામારી અને ભારે પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો, જેમાં કાયદાકીય ટીમ અને CJP ના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
