હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક અનિશ્ચિતતા અને AI ના ફફડાટ વચ્ચે દેશના ૬ મોટા શહેરોમાં મકાનોના વેચાણમાં ૬% નો ઘટાડો: અમદાવાદ અને પુણેમાં સૌથી મોટો ૨૦% સુધીનો કડાકો
બેંગ્લુરુ, મુંબઈ અને દિલ્હી-NCR જેવા મેગા સિટીઝમાં રિયલ એસ્ટેટ મંદ પડ્યું; વૈશ્વિક તણાવ અને નોકરીઓની અનિશ્ચિતતાને કારણે ખરીદદારોએ સાવચેતીનો માર્ગ અપનાવ્યો, જ્યારે હૈદરાબાદ અને ચેન્નઈમાં વેચાણનો પારો ઊંચકાયો.

અમદાવાદ : પ્રોપટાઈગરના તાજેતરના અહેવાલ મુજબ, ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૬ ના બીજા ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન દેશના ૮ અગ્રણી શહેરોમાં મકાનોના વેચાણમાં નોંધપાત્ર ૬ ટકાનો ઘટાડો દર્જ થયો છે. અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન કુલ ૯૧,૭૨૯ મકાનોનું વેચાણ થયું છે, જે ગત વર્ષના સમાન ગાળામાં થયેલા ૯૭,૬૭૪ મકાનોના વેચાણની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછું છે. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા સશસ્ત્ર સંઘર્ષો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના કારણે નોકરીઓ પર તોળાતા જોખમને લીધે ગ્રાહકો મકાન ખરીદીમાં અત્યારે ભારે સાવચેતી વર્તી રહ્યા છે.
દેશના મુખ્ય ૬ મોટા શહેરોમાં પ્રોપર્ટી માર્કેટમાં ઘટાડો નોંધાયો છે, જેમાં પુણે અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે. પુણેમાં મકાનોનું વેચાણ ૨૧ ટકા ઘટીને ૧૨,૬૪૨ યુનિટ અને અમદાવાદમાં ૨૦ ટકાના કડાકા સાથે ૭,૫૪૧ યુનિટ પર આવી ગયું છે. આ ઉપરાંત, મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR) માં ૭ ટકાના ઘટાડા સાથે ૨૪,૧૧૨ યુનિટ, દિલ્હી-NCR માં ૭ ટકાના ઘટાડા સાથે ૯,૩૫૨ યુનિટ, બેંગ્લુરુમાં ૯ ટકા ઘટીને ૧૪,૧૮૬ યુનિટ અને કોલકાતામાં ૯ ટકા ઘટીને ૩,૫૧૭ યુનિટ વેચાણ નોંધાયું છે. ઘટેલા વેચાણ છતાં, મુંબઈ MMR સમગ્ર દેશમાં સૌથી વધુ મકાનોનું વેચાણ ધરાવતું માર્કેટ બની રહ્યું છે.
એક તરફ ૬ મુખ્ય શહેરોમાં મંદીનો માહોલ છે, તો બીજી તરફ દક્ષિણ ભારતના બે મુખ્ય શહેરો - હૈદરાબાદ અને ચેન્નઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે જબરદસ્ત બુસ્ટર ડોઝ મેળવ્યો છે. હૈદરાબાદમાં મકાનોનું વેચાણ ૧૫ ટકા વધીને ૧૩,૧૯૬ યુનિટ થયું છે. જ્યારે સૌથી શ્રેષ્ઠ દેખાવ કરતા ચેન્નઈમાં મકાનોના વેચાણમાં ૩૬ ટકાનો જંગી ઉછાળો આવ્યો છે અને તે વધીને ૭,૧૮૩ યુનિટ પર પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે અમુક ચોક્કસ પ્રાદેશિક બજારોમાં હજુ પણ પ્રોપર્ટીની માંગ મજબૂત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
