તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો યુએસ પ્રવાસ કેન્દ્ર સરકારે રોક્યો : અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની તેમજ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર સાથેની મુલાકાત પર થયો મોટો વિવાદ
મુખ્યમંત્રીના હોદ્દા અને પ્રવાસના મૂળ હેતુ માટે 'અયોગ્ય' કાર્યક્રમ હોવાનું કેન્દ્રનું તારણ : અમેરિકાનો પ્રવાસ અટકાવાયો પણ યુકે પ્રવાસને લીલી ઝંડી અપાઈ

નવી દિલ્હી: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો પ્રસ્તાવિત અમેરિકા પ્રવાસ રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે મુખ્યમંત્રીના બ્રિટન (યુકે) પ્રવાસને મંજૂરી આપી દીધી હતી, પરંતુ તેમની અમેરિકાની મુલાકાતને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકારના સત્તાવાર સૂત્રો અનુસાર, મુખ્યમંત્રીનો આ યુએસ પ્રવાસ 'રાઇઝિંગ તેલંગાણા' પહેલ અંતર્ગત રોકાણ અને શિક્ષણ સંબંધિત હતો, પરંતુ તેના કાર્યક્રમમાં કેટલીક રાજકીય મુલાકાતો ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, રેવંત રેડ્ડીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની તેમજ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર સાથેની બેઠકો સામેલ હતી. હૈદરાબાદમાં સૌથી મોટો 'ટ્રમ્પ ટાવર' આકાર લઈ રહ્યો હોવાથી તેના ઉદ્ઘાટન માટે ટ્રમ્પના પુત્રને આમંત્રણ આપવાની શક્યતાઓ સેવાઈ રહી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલો કાર્યક્રમ તેમના બંધારણીય હોદ્દા અને પ્રવાસના જાહેર કરાયેલા હેતુને અનુરૂપ ન હતો, જેના કારણે મંજૂરી આપવામાં આવી નથી.
આ મુદ્દે ભાજપે મુખ્યમંત્રી સામે આકરા પ્રહારો કર્યા છે. તેલંગાણા ભાજપ પ્રમુખ રામચંદર રાવે સવાલ ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રી ભારત વિરોધી નિવેદનો આપનારા ઝોહરાન મમદાનીને શા માટે મળવા માંગતા હતા? તેમણે આક્ષેપ કર્યો કે આ પ્રવાસ રોકાણ કે શિક્ષણ માટે નહીં પરંતુ રાજકીય હેતુઓ માટે હતો. બીજી તરફ, તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કે કેન્દ્રના નિર્ણયને કમનસીબ અને રાજકીય દ્વેષપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રાજ્યમાં હાર્વર્ડ, એમઆઈટી, નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી અને વર્જિનિયા ટેક જેવી વિશ્વ વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ લાવવાના પ્રયાસો કરી રહ્યા હતા.
દરમિયાન, લંડનની મુલાકાતે રહેલા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને આઈટી મંત્રી ડી. શ્રીધર બાબુએ પ્રિમરોઝ સ્થિત ડૉ. બી.આર. આંબેડકર હાઉસની મુલાકાત લીધી હતી. આંબેડકર હાઉસની મુલાકાતને તીર્થયાત્રા સમાન ગણાવતા મુખ્યમંત્રીએ વિઝિટર બુકમાં નોંધ્યું હતું કે સામાજિક ન્યાયના મસિહાના જીવનમાંથી તેમને આજીવન પ્રેરણા મળતી રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
