<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

સરકારનો નવો PNG નિયમ : ગ્રાહકો માટે મોટા સમાચાર : LPG કનેક્શન થઈ શકે છે રદ

કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલયે જારી કર્યો 'LPG કંટ્રોલ ઓર્ડર 2026' : જે વિસ્તારોમાં PNG સુવિધા ઉપલબ્ધ છે ત્યાં નોટિસ મળવા છતાં સ્વિચ ન થનાર ગ્રાહકોનું LPG કનેક્શન સ્વચાલિત રીતે બંધ કરી દેવાશે

નવી દિલ્હી: મોટા આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ અને સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા નવા 'LPG કંટ્રોલ ઓર્ડર 2026' અને 'નેચરલ ગેસ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર 2026' હેઠળ તમામ રાજ્યોને PNGના ઉપયોગને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. નવા નિયમો મુજબ, હવેથી દેશમાં કોઈપણ ગ્રાહક એકસાથે LPG સિલિન્ડર અને PNG કનેક્શન બંને રાખી શકશે નહીં.

કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલીને સ્પષ્ટ કર્યું છે કે, જે સોસાયટીઓ કે રહેણાંક વિસ્તારોમાં PNG નેટવર્ક પહોંચી ગયું છે, ત્યાંના રહીશોને ગેસ કંપનીઓ દ્વારા નોટિસ આપવામાં આવશે. જો નોટિસ મળ્યા પછી પણ સમયસર કોઈ ગ્રાહક PNG કનેક્શન નહીં લે, તો તેમનું ચાલુ LPG કનેક્શન સીધું જ રદ કરી દેવામાં આવશે. મધ્ય પૂર્વમાં હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા તણાવ અને વૈશ્વિક બજારમાં ગેસના ઊંચા ખર્ચને ધ્યાનમાં રાખીને સરકારે દેશમાં એલપીજીની આયાત નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય ચેઇનને ડિજિટાઈઝ કરવા માટે આ નિર્ણાયક પગલું ભર્યું છે.

નવા આદેશોના ઝડપી અને સફળ અમલીકરણ માટે કેન્દ્ર સરકારે દરેક જિલ્લા સ્તરે એક વિશેષ માળખું ઊભું કરવાની જાહેરાત કરી છે. તેલ વિતરણ કંપનીઓ (IOCL, BPCL, HPCL) અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન એજન્સીઓ સાથે મળીને દરેક પ્રદેશમાં 'PNG કોઓર્ડિનેશન કમિટી' ની રચના કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારી  કક્ષાના અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી નાગરિકોને LPG થી PNG માં શિફ્ટ થવામાં કોઈ તકલીફ ન પડે અને ગેસ વિતરણમાં પારદર્શિતા વધારી શકાય.

(6:56 PM IST)