<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

પરીક્ષામાં ચોરી અટકાવવા NTAનો કડક નિર્ણય : પ્રશ્નપત્ર તૈયાર કરતા નિષ્ણાતો માટે ૪-સ્તરીય ચકાસણી સિસ્ટમ લાગૂ

NEET-UG અને UGC-NET જેવા મોટા વિવાદો બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું મોટું આયોજન: ૬૦૦ જેટલા નિષ્ણાતોને પેનલમાંથી હટાવ્યા બાદ હવે યોગ્યતા, પ્રામાણિકતા અને ગુપ્તતાના આકરા ધોરણો સાથે નવી પેનલ બનાવવામાં આવશે

નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થવાની ઘટનાઓએ કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શૈક્ષણિક સિસ્ટમ પરનો વિશ્વાસ ડામાડોળ કરી દીધો હતો. તાજેતરમાં NEET-UG પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિઓ બાદ સર્જાયેલા ભારે વિવાદને પગલે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ભવિષ્યમાં આવી ગંભીર ભૂલો અટકાવવા માટે આરપારની લડાઈ શરૂ કરી છે. એજન્સી દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરનારા નિષ્ણાતોની પસંદગી પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને બુલેટપ્રૂફ બનાવવા માટે ૪-તબક્કાની ચકાસણી (4-Stage Screening Protocol) ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી પ્રણાલીનો મુખ્ય હેતુ પરીક્ષા પદ્ધતિની ગુપ્તતા અને પવિત્રતા પુનઃસ્થાપિત કરવાનો છે.

આ નવા સુધારા અંતર્ગત NTA એ અગાઉ શંકાસ્પદ કે બિન-કાર્યક્ષમ જણાયેલા આશરે ૬૦૦ જેટલા નિષ્ણાતોને પોતાની પેનલમાંથી તાત્કાલિક અસરથી મુક્ત કરી દીધા છે. હવે જે નવી પેનલ તૈયાર થઈ રહી છે તેમાં સામેલ થનાર નિષ્ણાતે ચાર કડક તબક્કામાંથી પસાર થવું પડશે. પ્રથમ તબક્કામાં શૈક્ષણિક લાયકાત, અનુભવ, આધાર-પાન કાર્ડ સહિતના દસ્તાવેજો અને વર્તમાન એમ્પ્લોયરનું 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) ચકાસવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં વિશેષ વિષય સમિતિ દ્વારા તેમના સંશોધન કાર્ય અને પ્રશ્નો સેટ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન થશે. ત્રીજા તબક્કામાં તેમની નૈતિક પ્રામાણિકતા, ગુપ્તતા જાળવવાની ક્ષમતા અને 'હિતોના સંઘર્ષ' (Conflict of Interest) અંગેની ઘોષણાઓની ઝીણવટભરી તપાસ થશે, અને આ ત્રણેય તબક્કા સફળતાપૂર્વક પાર કરનાર નિષ્ણાતને જ ચોથા તબક્કામાં ૩ વર્ષ માટે પેનલમાં સમાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે નિયુક્ત થતા આ નિષ્ણાતો સામાન્ય રીતે ૭ થી ૧૫ દિવસ કામ કરતા હોય છે અને તેમને વાર્ષિક આશરે ₹૩૫,૦૦૦ થી ₹૪૦,૦૦૦ સુધીનું માનદ વેતન આપવામાં આવે છે. જોકે, નવી સિસ્ટમ મુજબ જો કોઈ નિષ્ણાત નિયમોનું ઉલ્લંઘન કરશે કે તેમની ગુપ્તતા પર સવાલ ઊઠશે તો NTA ૩ વર્ષની મુદત પહેલા પણ તેમની સેવાઓ અકાળે સમાપ્ત કરી દેશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આ વ્યાપક સુધારાત્મક અભિગમ દેશના લાખો ઉમેદવારોમાં પરીક્ષાઓ પ્રત્યે ફરીથી વિશ્વાસ જગાડવા માટે એક નિર્ણાયક પગલું સાબિત થઈ શકે છે.

(7:49 PM IST)