<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

વૈશ્વિક પરિબળોને કારણે દેશમાં ચોમાસું સુસ્ત : ઓગસ્ટના અંત સુધી ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્રેક મોન્સૂન : છૂટાછવાયા ઝાપટાં જ પડશે

ઓડિશા-છત્તીસગઢ પર સર્જાયેલું લો પ્રેશર વિદર્ભમાં રાહત આપશે : પાક બચાવવા ખેડૂતોને પિયત પદ્ધતિ પર ભાર રાખવા હવામાન તજજ્ઞ અથ્રેયા શેટ્ટીની સલાહ

મુંબઈ: ચાલુ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદની સંભાવનાઓને લઈને હવામાન તજજ્ઞ અથ્રેયા શેટ્ટી દ્વારા ૮ મુખ્ય પરિબળોનું ફેક્ટ ચેક રજૂ કરવામાં આવ્યું છે. વૈશ્વિક અને સ્થાનિક હવામાન પરિબળો સાનુકૂળ ન હોવાના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સુસ્ત રહેવાની અને માત્ર મર્યાદિત વિસ્તારોમાં જ વરસાદી સ્પેલ જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

તજજ્ઞના અહેવાલ મુજબ, ઓડિશા અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર સર્જાયેલા નવા લો પ્રેશર એરિયા (LPA) ને કારણે આ અઠવાડિયા દરમિયાન વિદર્ભ વિસ્તારમાં ચોમાસું ફરી સક્રિય થશે. શરૂઆતમાં નાગપુર સહિતના પૂર્વ વિદર્ભમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડશે, જ્યારે મંગળવારથી પશ્ચિમ અને દક્ષિણ વિદર્ભમાં પણ કેટલાક સ્થળોએ સારા ઝાપટા જોવા મળી શકે છે. જોકે, આ વરસાદ સિઝનની ઘટ પૂરી કરવા માટે પૂરતો નહીં હોય અને તેનાથી ખેડૂતોને માત્ર ક્ષણિક રાહત જ મળશે. જેથી પાકનું નુકસાન ઘટાડવા માટે ખેડૂતોને પિયત આપવાની સલાહ આપવામાં આવી છે.

 

બીજી તરફ, ગુજરાત, કોંકણ, ગોવા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) અને મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં 'બ્રેક મોન્સૂન' (ચોમાસામાં વિરામ) જેવી પરિસ્થિતિ યથાવત રહેશે અને આ વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં જ પડે તેવી સંભાવના છે.

 

હવામાનને અસર કરતા ૮ પ્રમુખ પરિબળોનું વર્ગીકરણ નીચે મુજબ છે:

 હવામાનના નકારાત્મક (પ્રતિકૂળ) પરિબળો:

માસ્કરીન હાઈ અને સોમાલી જેટ: ભારતમાં ભેજ લાવતી આ મુખ્ય સિસ્ટમ હાલ નબળી છે.

એલ નીનો (El Nino): મધ્યમથી વધુ મજબૂત બનીને ભારતમાં વરસાદને દબાવી રહ્યું છે.

એમજેઓ (MJO): ફેઝ ૬-૭ માં અટવાયેલું હોવાથી વરસાદી વાદળોનો વિકાસ રોકે છે.

મધ્ય એશિયાની સૂકી હવા: મધ્ય એશિયામાંથી આવતી સૂકી હવા ચોમાસાની પ્રગતિ અટકાવી 'બ્રેક મોન્સૂન' સર્જી રહી છે.

મીસો (MISO): નબળા તબક્કામાં હોવાથી ચોમાસાની સિસ્ટમને મજબૂતી મળતી નથી.

 બંગાળની ખાડીનું લો પ્રેશર: ઓગસ્ટના અંત સુધી બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા નથી.

સાઉથ ચાઇના સી ટાયફૂન: સાઉથ ચાઇના સીમાં કોઈ સિસ્ટમ ન હોવાથી ભારતીય ચોમાસાને ગતિ મળતી નથી.

 

 હવામાનનું એકમાત્ર સકારાત્મક પરિબળ:

ઇન્ડિયન ઓશન ડિપોલ (IOD): હાલ 'વીક પોઝિટિવ' (ધીમે-ધીમે સકારાત્મક) સ્થિતિમાં હોવાથી સિઝનના પાછલા ભાગમાં વરસાદને થોડો ટેકો આપી શકે છે.

(2:45 PM IST)