News of Monday, 24th August 2026
અયોધ્યામાં માછલી વિવાદ પર CM યોગીના કોંગ્રેસ પર પ્રહારોઃ તેઓ રામ-રામના નારા લગાવે છે અને માછલી ખાય છે
હનુમાનગઢી દર્શન બાદ માછલીની મિજબાની પર રાજકારણ ગરમાયું

અયોધ્યા, તા.૨૪: પવિત્ર શ્રાવણ મહિનામાં અયોધ્યાની મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયના સ્વાગત સમારોહમાં માછલી પીરસવાના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાયબરેલીથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેને બેવડા ધોરણો ગણાવ્યા છે અને કહ્યું કે કોંગ્રેસીઓ એક તરફ રામ-રામના નારા લગાવે છે અને બીજી તરફ અયોધ્યામાં માછલી ખાય છે. બીજી તરફ, અજય રાયે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યક્રમ નિષાદ સમુદાય દ્વારા યોજાયો હતો અને માછલી ઉછેરવો તેમનો વ્યવસાય છે, જ્યારે પવન ખેરાએ ભાજપ પર મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો છે.
રાયબરેલીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પોતાના વરવા બેવડા ધોરણો છતા કરી રહ્યા છે. એક તરફ તેઓ અયોધ્યામાં હનુમાનગઢી અને રામમંદિરમાં -ણામ કરવાનો ડોળ કરે છે અને બીજી તરફ માછલીની મિજબાની કરે છે.
તેમણે કહ્યું કે, તેમને જોઈને કાચિંડા પણ શરમાશે. જો તેમને માછલી જ ખાવી હતી તો અયોધ્યાની બહાર જઈને ખાઈ શકતા હતા. આ તો એવું વર્તન છે કે મોંમાં રામ અને બાજુમાં છરી. રાયબરેલીના વિકાસ અંગે વાત કરતા CM એ ઉમેર્યું કે પહેલા VIPના નામે ગરીબી અને અરાજકતા જ હતી, પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે.
આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખ અજય રાયે જણાવ્યું હતું કે તેમને નિષાદ સમુદાય દ્વારા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. માછલી પાલન અને વેચાણ એ નિષાદ સમુદાયની રોજીરોટી અને જીવનશૈલીનો ભાગ છે. તેમણે ભાજપ પર નિષાદ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવતા પડકાર ફેંકયો કે, જો ભાજપ પાસે તેમનો (અજય રાયનો) માછલી ખાતો કોઈ પણ ફોટોગ્રાફ હોય તો જાહેર કરે, તેઓ તુરંત રાજીનામું આપવા તૈયાર છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
