<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

"મારી પ્રાઇવસી અને સુરક્ષા પર ખતરો": CJP નેતા સૌરભ દાસના ઘરનું સરનામું વાયરલ કરનારાઓને દિલ્હી હાઈકોર્ટનું સમન્સ

સોશિયલ મીડિયા પરથી કન્ટેન્ટ અને વીડિયો હટાવવા કોર્ટનો આદેશ; દાસે દાવો દાખલ કરીને ₹૨ કરોડના વળતરની માંગ કરી

નવી દિલ્હી, તા.૨૪: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રવક્તા અને સહ-સંયોજક સૌરભ દાસના ભાડાના ઘરનું સરનામું તેમજ ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરવાના ગંભીર મામલે દિલ્હી હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે જમણેરી કટારલેખક અભિજીત ઐયર મિત્રા, ડિજિટલ પ્લેટફોર્મ પેમ્પલેટ અને લો બીટ સહિત સંબંધિત તમામ પક્ષકારોને કારણદર્શક સમન્સ પાઠવ્યા છે.


વચગાળાના સ્ટે માટે નોટિસ અને લિંક્સ હટાવવાનો આદેશ
હાઈકોર્ટના જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે વચગાળાના સ્ટે અંગેની અરજી પર પ્રતિવાદીઓને નોટિસ જારી કરી છે. સુનાવણી દરમિયાન જ્યારે કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) ના વકીલને સવાલ કર્યો હતો કે, "શું આ વિવાદિત લિંક્સ હટાવી દેવામાં આવી છે? શું તેઓ હજુ પણ એક્ટિવ છે?" ત્યારે 'X' ના પ્રતિનિધિએ કોર્ટને સત્તાવાર જાણકારી આપી હતી કે સૌરભ દાસના સરનામા અને ખાનગી વિગતો દર્શાવતી તમામ ટ્વીટ્સ અને લિંક્સ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. કોર્ટે હવે આ મામલે આગળની સુનાવણી ૧૪ સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.


ગોપનીયતાનો ભંગ અને ₹૨ કરોડના નુકસાનની માંગ
CJP નેતા સૌરભ દાસે કોર્ટમાં અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો છે કે આ પ્રકારે સરનામું સાર્વજનિક કરવું એ તેમની નિજતા અને ગોપનીયતા (Privacy) નું સીધું ઉલ્લંઘન છે. તેમણે કોર્ટ પાસે માંગ કરી છે કે અભિજીત ઐયર મિત્રા અને અન્ય લોકોને તેમની કોઈપણ વ્યક્તિગત વિગતો ફરીથી જાહેર કરવાથી કાયમી ધોરણે રોકવામાં આવે. આ સાથે જ પોતાની સુરક્ષા અને માનસિક ઉત્પીડન બદલ દાસે પ્રતિવાદીઓ સામે ₹૨ કરોડના વળતર (Damages) ની પણ માંગ કરી છે.


ઘરની અંદર ગેરકાયદે પ્રવેશી વીડિયો વાયરલ કર્યો
અરજીમાં જણાવ્યા અનુસાર, સૌરભ દાસ વર્ષ ૨૦૨૫ ની શરૂઆતથી જ દિલ્હીના ગ્રેટર કૈલાશ-૧ વિસ્તારમાં એક મકાનમાં ભાડેથી રહે છે. દાસનો આરોપ છે કે જ્યારે તેઓ મહારાષ્ટ્ર ખાતે એક બેઠકમાં હાજરી આપવા ગયા હતા, ત્યારે કેટલાક લોકો તેમની ગેરહાજરીમાં મકાન પરિસરમાં અનધિકૃત રીતે ઘૂસી ગયા હતા અને ૫ ઓગસ્ટના રોજ તેમના ઘરના અંદરના દ્રશ્યો શૂટ કરી લીધા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો, જેને ૨.૧ મિલિયન (૨૧ લાખ) થી વધુ વ્યુઝ મળ્યા હતા અને ૧૦ ઓગસ્ટના રોજ તેને ફરીથી અપલોડ કરાયો હતો. દાસે એવો પણ ગંભીર દાવો કર્યો છે કે મિત્રાએ એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમના ઘરનું સરનામું જાહેર કરી દેતાં એવો ખોટો દાવો કર્યો હતો કે દાસ દર મહિને ₹૭ લાખનું ભારેભરખમ ભાડું ચૂકવે છે.


પરિવારની સુરક્ષા સામે મોટો ખતરો
સૌરભ દાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કાયદાકીય લડાઈ માત્ર તેમની ગોપનીયતા પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી તેમના અને તેમના પરિવારના જીવન સામે ગંભીર સૂરક્ષા ખતરો ઊભો થયો છે. હાઈકોર્ટના આકરા વલણ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી હવે આ વિવાદિત વીડિયો અને સરનામા સંબંધિત કન્ટેન્ટ તાત્કાલિક ધોરણે હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(3:57 PM IST)