<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે પીએમ મોદીનો માસ્ટરપ્લાન: દેશભરમાં 1,400 સ્થળોએથી યુવાનો અને ખેલાડીઓ સાથે કરશે લાઈવ સંવાદ

‘ખેલ કી બાત, પીએમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત 27 થી 29 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવનું આયોજન; રમતગમતના નવા પરિદ્રશ્ય અને ભવિષ્યની નીતિઓ પર થશે ચર્ચા

નવી દિલ્હી : હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 29 ઓગસ્ટે ઉજવાતા 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' (National Sports Day) ને લઈને આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા ભવ્ય અને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને 'માય યુવા ભારત' દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ, આ વર્ષે 27 થી 29 ઓગસ્ટ દરમિયાન "ખેલ કી બાત, પીએમ કે સાથ" વિષય હેઠળ ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે.

 

આ ઉજવણીના ભાગરૂપે 27 ઓગસ્ટના રોજ સવારે 11:50 વાગ્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના યુવા ખેલાડીઓ અને યુવાનો સાથે વર્ચ્યુઅલી સીધો સંવાદ કરશે. ટુ-વે ડિજિટલ કનેક્ટિવિટી પ્લેટફોર્મ દ્વારા પીએમ મોદી દેશભરના અંદાજે 1,400 થી વધુ સ્થળો પરથી જોડાનારા યુવાનો સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 12 વર્ષોમાં ભારતના રમતગમત ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ પરિવર્તનને રેખાંકિત કરવાનો અને યુવાનોને તેમના વિચારો સીધા દેશના વડાપ્રધાન સમક્ષ રજૂ કરવાની સુવર્ણ તક પૂરી પાડવાનો છે.

 

હિમાચલ પ્રદેશના કાંગડા અને ચંબા સહિત દેશના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના રમતવીરોને ડિજિટલ માધ્યમથી વડાપ્રધાન સાથે જોડવામાં આવશે. આ ખાસ ચર્ચા દરમિયાન ભારતની રમતગમત નીતિઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને વધુ મજબૂત બનાવવામાં યુવાનોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થવાની શક્યતા છે.

 

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ત્રણ દિવસીય આ કાર્યક્રમ યુવા ખેલાડીઓને દેશના વરિષ્ઠ અને અનુભવી રમતવીરો સાથે જોડીને પ્રેરણા આપવાનું કામ કરશે. ત્રણ દિવસ સુધી દેશભરમાં આયોજિત થનારી વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ બાદ 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસે આ વિશેષ ઉજવણીનું સમાપન થશે.

 

(5:34 PM IST)