<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

યશસ્વી જયસ્વાલ અને હર્ષા ભોગલે વચ્ચે વિવાદ: અશીથા સાથેના ઝઘડા બાદ સોશિયલ મીડિયા પર ગરમાવો!

કોલંબો ટેસ્ટમાં બોલર સાથે અથડામણ બાદ કમેન્ટેટરની ટિપ્પણીથી ઈન્ડિયન ઓપનર નારાજ; 'કશું ન ખબર હોય તો ચુપ રહો' અંદાજમાં કોમેન્ટ કરતા મામલો ગરમ, ICCએ બંને ખેલાડીઓને ફટકાર્યો દંડ

કોલંબો : ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો છે. મેદાન પર ખેલાડીઓ વચ્ચેની બોલાચાલી બાદ હવે આ ગરમાવો સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકન ફાસ્ટ બોલર અશીથા ફર્નાન્ડો વચ્ચેની તકરાર બાદ જાણીતા ક્રિકેટ વિશ્લેષક અને કમેન્ટેટર હર્ષા ભોગલેના મંતવ્ય સામે યશસ્વીએ સીધો વાંધો ઉઠાવ્યો છે.

 

મેદાન પર શારીરિક અથડામણ સુધી પહોંચ્યો મામલો

 

મેચની પ્રથમ ઇનિંગ દરમિયાન ૪૫ રને બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલને અશીથા ફર્નાન્ડોએ ક્લીન બોલ્ડ કર્યો હતો. વિકેટ લીધા બાદ અશીથાએ આક્રમક અંદાજમાં 'સેન્ડ-ઓફ' આપતાં જયસ્વાલ તરફ જોઈને ટિપ્પણી કરી હતી. પેવેલિયન તરફ પરત ફરી રહેલો જયસ્વાલ આ સાંભળી આપા ખોઈ બેઠો હતો અને પાછો વળી બોલર સાથે ભિડાઈ ગયો હતો. આ દરમિયાન જયસ્વાલનો હેલમેટ ફર્નાન્ડો સાથે અથડાયો હતો, જેથી અમ્પાયરો અને શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ વચ્ચે પડીને બંને ખેલાડીઓને શાંત પાડ્યા હતા.

 

હર્ષા ભોગલેની વિડિયો પોસ્ટ અને યશસ્વીનો સણસણતો જવાબ

 

આ ઘટના બાદ હર્ષા ભોગલેએ વિડિયો પ્લેટફોર્મ પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, "મેદાન પર ગમે તેટલી ઉશ્કેરણી થાય તો પણ ખેલાડીએ પોતાની મર્યાદા (Line) ઓળંગવી જોઈએ નહીં. સ્લેજિંગ રમતનો ભાગ હોઈ શકે, પરંતુ શારીરિક સંપર્ક સુધી પહોંચવું અયોગ્ય છે."

 

હર્ષા ભોગલેની આ કમેન્ટ પર ખુદ યશસ્વી જયસ્વાલે સોશિયલ મીડિયા પર સામેથી કૉમેન્ટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. યશસ્વીએ આકરા શબ્દોમાં લખ્યું કે, "સામે વાળા ખેલાડીએ શું કહ્યું તેની પૂરતી માહિતી વગર નિર્ણય આપવો યોગ્ય નથી. જો કોઈ પોતાની મર્યાદા પાર કરશે, તો તેને સામે ચાલીને જવાબ આપવો પણ એટલો જ જરૂરી છે."

 

ICCએ ફટકાર્યો ડિમેરિટ પોઇન્ટ

 

મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટે આચારસંહિતાની કલમ ૨.૧૨ (અયોગ્ય શારીરિક સંપર્ક) ના ઉલ્લંઘન બદલ કડક વલણ અપનાવ્યું છે. ICCએ યશસ્વી જયસ્વાલ અને અશીથા ફર્નાન્ડો બંનેને દોષી ઠેરવીને બંનેના ખાતામાં ૧-૧ ડિમેરિટ પોઇન્ટ ઉમેર્યો છે.

(7:18 PM IST)