<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવૃત્તિના સંકેત આપતા વિધાનથી રાજકારણમાં ગરમાવો, કહ્યું ‘હવે હું વધુ કામ કરી શકું તેમ નથી, નવી પેઢીને તક મળવી જોઈએ’

નાગપુરના પારડસિંગા ખાતે આયોજિત કાર્યક્રમમાં દૈનિક દિનચર્યા અને સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતાં મંત્રી ગડકરીનું નિવેદન : કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર અને ફેરબદલની અટકળો વચ્ચે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ

નાગપુર:કેન્દ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક તાજેતરના વિધાને દેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત વિસ્તાર અને મંત્રીઓના ખાતા બદલાવની અટકળો વચ્ચે મંત્રી ગડકરીના આ નિવેદનને તેમના રાજકીય ભવિષ્ય અને સંભવિત નિવૃત્તિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

નાગપુર જિલ્લાના કાટોલ તાલુકામાં આવેલ પારડસિંગા ખાતે એકલવ્ય એકલ વિદ્યાલય શિક્ષક-સુપરવાઇઝર તાલીમ વર્ગના સમાપન સમારોહમાં સંબોધન કરતા મંત્રી ગડકરીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩૦ વર્ષથી જાહેર જીવનમાં સતત સક્રિય રહીને કામ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ઘણા ચડાવ-ઉતાર જોયા છે અને અનેક એવોર્ડ પણ મળ્યા છે. પરંતુ હવે તેઓ વધુ કામ કરી શકે તેમ નથી અને નવી પેઢીને કામ કરવાની તક મળવી જોઈએ. તેમના આ નિવેદન બાદ તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા હોવાની અટકળો વહેતી થઈ છે, જોકે તેમણે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

પોતાની દિનચર્યા અને જીવનશૈલીમાં આવેલા બદલાવ અંગે વાત કરતા મંત્રી ગડકરીએ ઉમેર્યું હતું કે, કોરોના કાળ પહેલા તેઓ પક્ષના કામકાજ દરમિયાન ગમે ત્યાં સમોસા ખાઈને ઊંઘી જતા હતા. પરંતુ કોરોના બાદ તેઓ નિયમિત જીવનશૈલી અનુસરે છે અને દરરોજ યોગ્ય રીતે યોગ કરે છે. જો સ્વાસ્થ્ય સારું ન હોય તો સત્તા અને પદ કોઈ કામના રહેતા નથી. તેમણે એક હિન્દી ગીતની પંક્તિ "સાજન રે જૂઠ મત બોલો..." ટાંકીને જીવનને ખૂબ જ કિંમતી ગણાવ્યું હતું.

આ ઉપરાંત, તેમણે વિદર્ભ ક્ષેત્રમાં ખેડૂતોની આત્મહત્યાના વધી રહેલા બનાવો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના બાકીના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના કલ્યાણ અને ઉત્થાન માટે વધુમાં વધુ કામ કરવા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં એક્સપ્રેસવે અને ગ્રીનફિલ્ડ હાઈવેનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં મંત્રી ગડકરીની મહત્વની ભૂમિકા રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગ સામે વાહનચાલકો દ્વારા થઈ રહેલી ફરિયાદો અને વિપક્ષના આક્ષેપોને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા.

(10:40 PM IST)