<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સરહદે શાંતિથી લઈને BRICS સમિટની તૈયારીઓ સુધી NSA ડોભાલ અને ચીનના ઉપરાષ્‍ટ્રપતિ વચ્‍ચે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઇ

બેઇજિંગમાં ભારત-ચીન ડિપ્‍લોમસીઃ દ્વિપક્ષીય આર્થિક અને રાજકીય સંબંધોને પુનઃ પાટા પર લાવવા વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા

બેઇજિંગ, તા.૨૫: ભારતના રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બેઇજિંગની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ચીનના ઉપરાષ્‍ટ્રપતિ હાન ઝેંગ સાથે ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજી હતી. આ બેઠક ભારત-ચીન સરહદ પ્રશ્‍ન અંગે વિદેશ મંત્રી વાંગ યી સાથે યોજાનારી ખાસ પ્રતિનિધિઓની ૨૫મી રાઉન્‍ડની વાટાઘાટો પહેલાં થઈ હતી. બેઠક દરમિયાન બંને દેશોના નેતાઓએ વાસ્‍તવિક નિયંત્રણ રેખા પર શાંતિ સ્‍થાપિત કરવા અને પૂર્વ લડાખ વિવાદ બાદ દ્વિપક્ષીય સંબંધોને ફરી પાટા પર લાવવાના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.

બંને દેશો વચ્‍ચેની આ રાજદ્વારી મુલાકાત આગામી BRICS સમિટ માટે ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગની ભારત અપેક્ષિત મુલાકાતની પળષ્ઠભૂમિમાં ખૂબ જ સકારાત્‍મક માનવામાં આવે છે. ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેઠકમાં આર્થિક, રાજકીય અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવાની સાથે સાથે ૨૦૦૩થી ચાલી આવતી ખાસ પ્રતિનિધિઓની સંવાદ પ્રક્રિયાને વધુ સક્રિય કરવા પર ભાર મુકાયો હતો. બંને દેશો વચ્‍ચે ૩,૪૦૦ કિલોમીટરથી વધુ લાંબી સરહદ વિવાદિત હોવાથી સરહદી વિસ્‍તારોમાં સ્‍થિરતા જાળવવી બંને માટે પ્રાથમિકતા છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા લિન જિયાને સ્‍પષ્ટ કર્યું હતું કે, ભારત અને ચીનના સર્વોચ્‍ચ નેતાઓ વચ્‍ચે થયેલી સર્વસંમતિના આધારે જ આગળની ચર્ચાઓ આગળ વધારવામાં આવી રહી છે. તેમણે જણાવ્‍યું કે ખાસ પ્રતિનિધિઓ વચ્‍ચેનો સંવાદ એ સરહદી સમસ્‍યાના ઉકેલ માટેનું મુખ્‍ય માધ્‍યમ છે અને તેનો મુખ્‍ય ધ્‍યેય સરહદ પર પરસ્‍પર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનું છે. જો બંને નેતાઓ વચ્‍ચેની આ વાટાઘાટો સફળ રહેશે, તો BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને શી જિનપિંગ વચ્‍ચેની દ્વિપક્ષીય મુલાકાત માટે રસ્‍તો સાફ થઈ શકે છે

(3:02 PM IST)